વોશિંગ્ટન: ટેક જાયન્ટ ગૂગલ સામે ફેડરલ ઓથોરિટીઝની પહેલી મોટી જીત સમાન ઘટનાક્રમમાં અમેરિકી કોર્ટના જજે ઠરાવ્યું છે કે ગૂગલે એન્ટીટ્રસ્ટ લોનું ઉલ્લંઘન કરી ઈન્ટરનેટ સર્ચ એક્ટિવિટી પર ગેરકાયદે ઇજારો મેળવવા અબજો ડોલર ખર્ચ્યા છે અને તે સમગ્ર વિશ્વનું ડિફોલ્ટ સર્ચ એન્જિન બની ગયું છે. વોશિંગ્ટનની ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાથી સંભવિત સુધારા નક્કી કરવા માટે બીજી ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે, જેમાં સંભવતઃ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના વિભાજનનો સમાવેશ થાય છે. આમ થયું તો ગૂગલનું જેના પર વર્ષોથી પ્રભુત્વ છે તે ઓનલાઈન જાહેરાતની દુનિયા ધરમૂળથી બદલાઈ જશે.
વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત મહેતાએ ચુકાદામાં નોંધ્યું હતું કે ગૂગલ એકાધિકારવાદી છે અને તેણે એકાધિકાર જાળવી રાખવાનું કામ કર્યું છે. નોંધનીય છે કે 2023માં આલ્ફાબેટના કુલ વેચાણમાં ગૂગલ એડવર્ટાઇ ઝિંગનો હિસ્સો 77 ટકા હતો. આલ્ફાબેટે જણાવ્યું હતું કે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા અંગે વિચારી રહી છે.
જજ અમિત મહેતાનું જન્મસ્થાન પાટણ
ભારતીય મૂળના સુંદર પિચાઇના નેતૃત્વ હેઠળની ગૂગલ સામે ચુકાદો આપનારા જજ અમિત મહેતા ગુજરાતી છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. ગૂગલના સીઇઓ પિચાઇ મદુરાઇમાં જન્મ્યા હતા. 2022માં અમિત મહેતાએ જ અમેરિકી સંસદ પરના હુમલાના કેસોમાં સંપૂર્ણ માફીના ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો અને આ વર્ષની શરૂઆતમાં તેમણે ટ્રમ્પના પૂર્વ સલાહકાર પીટર નાવારોને સંસદના તિરસ્કાર બદલ ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી.