આદિસ અબાબાઃ ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના યુએનડીપીનાં સલાહકાર શિખા ગર્ગ સહિત ૪ ભારતીયો, વડોદરાના અને વિદેશમાં વસતા દંપતી જમાઈ પુત્રી પૌત્રીઓ સહિત ૧૫૭નાં મોત થયાં છે. આ ઘટનામાં પાઈલટ, ક્રૂ મેમ્બર્સ પણ માર્યા ગયા હતા. ઇથોપિયા એરલાઈન્સે કહ્યું હતું કે, આ વિમાન બોઈંગ ૭૩૭ ગયા વર્ષે જ ખરીદવામાં આવ્યું હતું.
નૈરોબીમાં રવિવારે તૂટી પડેલા ઇથોપિયન એરલાઇન્સના બોઇંગ વિમાનમાં માર્યા ગયેલા યાત્રિકોમાં વડોદરાના વૃદ્ધ દંપતી, તેમનાં દીકરી જમાઇ અને બે પૌત્રીઓ મળીને ૬ જણનો પણ સમાવેશ થાય છે. વડોદરા અને કેનેડામાં સ્થાયી થયેલો આ પરિવાર કેન્યામાં વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક જોવા જતો હતો અને પ્લેન દુર્ઘટનાનો શિકાર બની ગયો હતો.
વડોદરાના દંપતીના પરિવારના ૬ મૃતકોમાં પન્નગેશભાઇ ભાસ્કરભાઇ વૈદ્ય (ઉં ૭૩) તેમનાં પત્ની હંસીનીબહેન (ઉં ૬૩), દીકરી કોષા
(ઉં ૩૭), જમાઇ પ્રેરિત (ઉં ૪૩) અને તેમની બે પુત્રીઓ આશકા (ઉં ૧૫)તથા અનુષ્કા (ઉં ૧૩)નો સમાવેશ થાય છે. વડોદરામાં રહેતા પન્નગેશભાઇનાં પિતરાઇ બહેન દીપ્તિબહેન વોરાએ કહ્યું કે, ‘પન્નગેશભાઇ વડોદરાના જ હતા. તેઓ શરૂઆતમાં મંગળબજાર વિસ્તારમાં રહેતા હતા અને તેમના પિતા ભાસ્કરભાઇ વડોદરાની શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષક હતા.
પન્નગેશભાઇએ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી વડોદરામાં દિનેશ મિલથી કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેમણે અન્ય ખાનગી કંપનીઓમાં પણ કામ કર્યું હતું. તેઓ છેલ્લે વડોદરામાં ઇલોરાપાર્ક વિસ્તારમાં વહાણવટી માતાના મંદિર પાસે આવેલા ફ્લેટમાં રહેતા હતા ત્યાંથી તેઓ અમદાવાદ રહેવા આવ્યા હતા.
અમદાવાદથી તેઓ કેનેડા શિફ્ટ થયા હતા. તેમનો પુત્ર મનંત અને પુત્રવધૂ હીરલ કેનેડામાં જ રહે છે. કેનેડા ગયા બાદ પણ પન્નગેશભાઇ અને તેમનાં પત્ની હંસીનીબહેન ત્યાં નોકરી કરતા હતા. પન્નગેશભાઇનાં પુત્રી કોષાનાં લગ્ન વડોદરાના પ્રેરિતભાઈ સાથે થયાં હતાં. પન્નગેશભાઇએ આખા પરિવાર સાથે કેનિયામાં વાઇલ્ડ લાઇફ સફારી પાર્કના પ્રવાસની યોજના બનાવી હતી. જો કે પુત્ર મનંતને રજાઓ ન મળતાં દીકરીનાં પરિવાર સાથે વૃદ્ધ દંપતી કેન્યા જવા રવાના થયો હતો. પન્નગેશભાઇનો બીજો પુત્ર મયંક અમદાવાદમાં રહે છે.
મૃતકોનાં નામ: પન્નગેશભાઈ વૈદ્ય, હંસીનીબહેન વૈદ્ય, પ્રેરિત વીરેન્દ્ર દીક્ષિત, કોષા પ્રેરિત દીક્ષિત, આશકા પ્રેરિત દીક્ષિત, અનુષ્કા પ્રેરિત દીક્ષિત.