મોન્ટેગોમેરી (અલબામા)ઃ ગુજરાતના ગાંધીનગરના વતની અને હાલ યુએસમાં વસતા 23 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પથ્યમ પટેલ ઉર્ફ પેટ પટેલને ધ અલબામા સિક્યુરિટીઝ કમિશને (ASC) રોકાણકારો સાથે પોન્ઝી સ્કીમમાં 4,00,000 ડોલરથી વધુ રકમનું ફ્રોડ કરવા બદલ દોષિત ઠરાવ્યો છે. સિક્યુરિટીઝ કાયદાના ભંગના 9 આરોપમાં સિક્યુરિટીઝના વેચાણમાં ફ્રોડ અને સિક્યુરિટીઝના વેચાણ મુદ્દે ખોટા નિવેદનોનો સમાવેશ થાય છે. આ તમામ ગુનામાં બેથી 20 વર્ષ સુધીની જેલની સજા અને દરેક ગુના માટે 30,000 ડોલરનો દંડ થઈ શકે છે. પથ્યમ પટેલની ગત છઠ્ઠી માર્ચે ધરપકડ કરાઈ હતી.
ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ ઈન્ફિનિટી વેલ્થ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા કહેવાતા પથ્યમ પટેલે 2017-2023ના ગાળામાં ઓછામાં ઓછાં છ રોકાણકારો સાથે 4,00,000 ડોલરથી વધુ રકમના ઈન્વેસ્ટમેન્ટ કોન્ટ્રાક્ટ કર્યા હતા. તેની ફર્મ યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સાથે રજિસ્ટર્ડ હોવાનો દાવો કરતા પથ્યમ પટેલે રોકાણકારોને નોંધપાત્ર નફાની ખાતરી આપવા સાથે મુદ્દલ ગુમાવવું નહિ પડે તેમ પણ જણાવ્યું હતું.
હકીકતમાં પથ્યમ પટેલ સિક્યુરિટીઝ અને ઈન્વેસ્ટમેન્ટ કોન્ટ્રાક્ટ્સનું વેચાણ કરવા ASCમાં નોંધાયેલો ન હતો. તેની કંપની પણ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, બ્રોકર અથવા ડીલર તરીકે રજિસ્ટર્ડ ન હતી. કમિશને જણાવ્યું હતું કે પટેલે આ નાણાંનો ઉપયોગ સિક્યુરિટીઝમાં ઈન્વેસ્ટમેન્ટ માટે નહિ કરતા જુગાર, સ્પોર્ટિંગ જેવા અંગત ખર્ચામાં કરવા ઉપરાંત, અગાઉના રોકાણકારોને રકમ ચૂકવવામાં કર્યો હતો.