ધાનેરાઃ ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો તેમજ ભારત સરકારના પ્રયાસોથી તેને તાજેતરમાં માલી દેશમાંથી સલામત રીતે છોડાવી લેવાયો છે. વિક્રમને ગુપ્ત જગ્યાએ ગોંધી રાખી પટેલ પરિવાર પાસે મોટી સોદાબાજી કરી હતી. જોકે આ ગેંગની ધમકીનો ભોગ બનનાર આ પરિવારે ઘાનીની સરકાર તેમજ ભારત સરકારને જાણ કરતાં ભારતનાં તત્કાલીન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મદદરૂપ બની આ પરિવાર સાથે બનેલી ઘટના અંગે તપાસ શરૂ કરાવી હતી.
ધાનેરા નજીકના એક ગામનો પટેલ પરિવાર વર્ષોથી ઈસ્ટ આફ્રિકાના ઘાના દેશમાં સ્થાયી થયો હતો અને ત્યાં જ આવેલાં બુર્કિનાફાસો દેશમાં સોનાની ખાણ ખરીદી હતી. ગોલ્ડમેન વશરામ પટેલનો પરિવાર હંમેશા સિક્યોરિટી સાથે જ નીકળતો હતો, પરંતુ દોઢ વર્ષ પહેલાં વિક્રમ પટેલ કોઈ પણ જાતની સિક્યોરિટી વિના જ કાર લઈને સવારે નીકળ્યો હતો. રેકી કરનાર ગેંગને તક મળતાં તેનું અપહરણ થયું હતું.