અમદાવાદ: અમેરિકામાં સ્થાયી થયેલા ઊંઝાના એનઆરઆઇ સ્નેહલ પટેલને એકાદ મહિના પહેલાં સીટીએમમાં બરોડા એક્સપ્રેસ વે પાસે અટકાવી
રૂ. ૧૮ હજારનો તોડ અને દારૂની પરમિટવાળી બે બોટલો પડાવનારા બે હોમગાર્ડ રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ સામે વિરુદ્વ રામોલ પોલીસ ગુનો દાખલ કર્યો છે. એનઆઇઆઇ યુવક ડિસેમ્બરમાં અમેરિકાથી મુંબઇ પહોંચ્યા હતા અને ત્યાં બાયરોડ ઊંઝા જવા નીકળ્યા હતા ત્યારે સીટીએમ પાસે ખાખી વરદીમાં ઊભેલા બે હોમગાર્ડે તેમને રોક્યા હતા. તેમની પાસે દારૂની પરમિટવાળી બોટલો હોવાથી તેમની પાસેથી તોડ કર્યો હતો.
ઊંઝાના સ્નેહલ પટેલ અમેરિકામાં સ્થાયી છે, પણ ઊંઝામાં રહેતા પરિવારને મળવા આવતા રહે છે. ડિસેમ્બરમાં તેઓ અમેરિકાથી ફ્લાઇટમાં મુંબઇ પહોંચ્યા હતા અને હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. ૧૦ ડિસેમ્બરે તેઓ તેમના સાળા પ્રતીક પરીખની કાર લઇને મુંબઇથી સવારે ૫.૩૦ વાગ્યે ઊંઝા જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ સીટીએમ પાસે બરોડા એક્સપ્રેસ હાઇવે પર બપોરે ૩.૧૫ વાગે પહોંચ્યા ત્યારે બે ખાખી કપડાં પહેરેલાં હોમગાર્ડે લાઇસન્સ માગતા તેમણે આપ્યું હતું. હોમગાર્ડે સ્નેહલભાઇને સાઇડમાં કાર ઊભી રાખવાનું કહી કારની તપાસ શરૂ કરી હતી. આથી સ્નેહલભાઇએ હોમગાર્ડને કહ્યું હતું કે, તેમણે ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બે બોટલ બેગમાં છે. હોમગાર્ડે ગાડીમાં જમા લેવી પડશે અને તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. તેમ કહી ધમકાવીને પતાવટ કરવાની વાત કરીને રૂ. ૧૮ હજાર અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. ત્યાર બાદ ‘હવે તમે જતા રહો સાહેબની ગાડી આવશે.’ કહી સ્નેહલભાઈને રવાના કરી દીધા હતા.