બેંગલોરની એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા ૫૧ વર્ષીય આ મૌલાના અંજર શાહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા. તેવું એન્ટિટેરેરિસ્ટ બ્યુરોની તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું છે. મૌલાનાએ એટીએસ સામે કબૂલ્યુ છે કે, તેણે મોડાસા ખાતે સભાઓ કરી હતી અને મોડાસાની મસ્જિદમાં યુવાનોને ભેગા કરી ધર્મના નામે અલ-કાયદા તથા જેહાદી ભાષણ આપ્યું હતું. ધર્મનાં નામે અલ કાયદા તથા જેહાદી ભાષણો આપી યુવકોને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ઉશ્કેરનાર મૌલાનાના તાર છેક મોડાસા સુધી પહોંચતા સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલ ઊભા થયા છે.
• ૨૩ આરોગ્ય સંકુલોના નવિનીકરણ માટે ૧૫ કરોડ મંજૂરઃ ગાંધીનગર જિલ્લાના ૨૩ જેટલા આરોગ્ય સેવા સંકુલોના નાવિન્યકરણ માટે સરકારે રૂ. ૧૫ કરોડ જેટલી જંગી રકમ મંજૂર કરી છે. ગાંધીનગર જિલ્લાના બે સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૫ આરોગ્ય કેન્દ્રોના નાવિન્યકરણની દરખાસ્તને મંજૂરી આપી છે.
• ૯૪ ટકા મેળવનારી વિદ્યાર્થિનીને રૂ. સવા બે લાખ એનાયતઃ ડીસા શહેરના વેપારી તથા માળી સમાજના અગ્રણીની પુત્રી પલક માળીએ ધોરણ-૧૨ સાયન્સમાં ૯૪ ટકા મેળવી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાયેલા વિદ્યાર્થીઓના ચેક વિતરણ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે વિદ્યાર્થિનીને રૂ. સવા બે લાખની સ્કોલરશિપનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
• રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવીન પશુ સુધારણા ઘર બનશેઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવીન પશુ સુધારણા ઘરનું ભૂમિપૂજન ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના કૃષિ પ્રધાન બાબુભાઈ બોખીરીયા અને જિલ્લા પ્રભારી રજનીકાન્ત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.