મોડાસાઃ અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનશા પટેલને થતાં તેમણે આ અંધ ખેલાડીને આર્થિક સહાય કરી છે. અરવલ્લી જિલ્લાના અંધ ક્રિકેટરની દયનીય પરિસ્થિતિના સમાચારો મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ પણ સરકારી તંત્ર તરફથી તેમને કોઇ મદદ મળી નથી. આ સંજોગોમાં ખેડાના પૂર્વ કોંગ્રેસી સાંસદ દિનશા પટેલના ટ્રસ્ટે રૂ. ૨૫ હજારની મદદનો ચેક આપી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માલપુર તાલુકાના પીપરાણા મુવાડા ગામના અંધ ક્રિકેટર ભલાજી ડામોરના પરિવારને મદદ કરવા દિનશા પટેલ ટ્રસ્ટે મોડાસાના ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર તથા સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ભલાજીને ચેક સુપરત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તેર ગુજરાતનું નામ રોશન કરનાર આ અંધ ક્રિકેટરને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઇ મદદ મળી નથી. આ સહાય મેળવીને ભલાજીનો પરિવાર ગદગદિત થઇ ગયો હતો.
બનાસકાંઠાના પૂરપીડિતોને સરકારે સહાય ચૂકવીઃ ગત મહિનાના અંતે ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં જનજીવનને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે તમામ નુકસાનનો સર્વે કરીને પૂરપીડિતોને નાણાકીય સહાય ચૂકવી છે. જિલ્લા કલેક્ટર દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન મુજબ વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્યોના વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ ગામોમાં વીજળી અને પાણી પુરવઠો શરૂ થઇ ગયો છે. જિલ્લાના પૂર અસરગ્રસ્તો સરકાર દ્વારા કુલ રૂ. ૩૦.૩૧ કરોડની વિવિધ સહાય ચૂકવવામાં આવી છે.