મોડાસાઃ વિશ્વમાં ક્રિકેટની રમતમાંથી અનેક ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ ભારતને વિશ્વકક્ષાએ અંધજન ક્રિકેટમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના ખેલાડીઓ અત્યારે જરૂરી નાણાના અભાવે જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામના અંધ ક્રિકેટ ખેલાડી ભલાજી ડામોરે ૧૯૯૮માં સાત દેશોના અંધ વિશ્વકપમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું. પરંતુ તેઓ આજે પણ તે ગામમાં પશુઓ ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ૧૫૦૦ લોકોની વસતિ ધરાવતા પીપરણા ગામના ૩૫ વર્ષીય ભલાજી જન્મથી અંધ છે. તે સમયે તેમના માતાપિતાને પુત્ર અંધ હોવાનું ભારે દુઃખ હતું. તેમણે ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને રાષ્ટ્રીય અંધજન મંડળ-ઇડર ખાતેની સંસ્થા સાથે જોડાયા હતા. જ્યાં બ્રેઇલ લિપીમાં અભ્યાસ કરી ધોરણ-૧૦ પાસ કર્યું હતું. તેમણે ધીરેધીરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને નામના મેળવી છે.
ગરીબીમાં ઉછરેલા ભલાજીના પિતા પાસે માંડ એક વીઘો જમીન છે. વૃદ્ધ માતા-પિતા ખૂબ જ મજૂરી કરી અને ભલાજીને ક્રિકેટ માટે મોકલતા હતા. તેમને આશા હતી કે દેશ માટે સારો દેખાવ ખરશે તો સરકાર ચોક્કસ સહાય કરશે. પરંતુ તેમને કોઇ સહાય ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ આ જ જિલ્લાના અન્ય અંધ ક્રિકેટરની હાલત પણ દયનીય છે. લુસડિયા ગામના વિકાસ પટેલે ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. અને અંધજનોની ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામીને પોતાની કાબેલિયત સાબિત કરી હતી. વિકાસ પટેલે શ્રીલંકા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં અંધજન વિશ્વકપમાં ભારતનો ડંકો વગાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર તરફથી કોઇ મદદ ન મળતા તેઓ નિરાશ થયા છે, અને આથી જ તેમણે એપ્રિલ-૨૦૧૫માં ઇંગ્લેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટમાં જવાનું ટાળ્યું હતું. તેમને મળેલી ટ્રોફી-સન્માનપત્રક અત્યારે શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે.