અંબાજી: ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે. મેળાના સ્થાને ભક્તો ઘરે બેઠા આદ્યશક્તિ મા અંબાના ગર્ભગૃહના આરતીના હવનના અને ગબ્બર પર્વતની જ્યોતના ઓનલાઇન દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવાશે. કોરોના વાઈરસની મહામારીના પગલે અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો સરકાર દ્વારા રદ રખાયો છે. તેથી વિશ્વશાંતિ માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ પૂર્વે અંબાજીમાં ૧૯૯૪માં સહસ્ત્ર ચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.
યજ્ઞમાં દસ લાખ જાપ
આ યજ્ઞમાં માતાજીનાં દસ લાખ જાપ કરાશે. ૫૧ શક્તિપીઠના તેમજ હવન શાળાના અંદાજિત ૮૦ જેટલા બ્રાહ્મણ આ યજ્ઞમાં સહભાગી બનશે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, હવનમાં કોઈ પણ ભક્તને પ્રવેશ મળશે નહીં, પરંતુ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવન ઉપરાંત માતાજીના ગર્ભ ગૃહના, આરતીના તેમજ ગબ્બરની જ્યોતના લાઈવ દર્શન ઘરે બેઠા ભક્તો નિહાળી શકશે. તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યવસ્થા પણ કરાશે.
ધજા પહોંચાડવા ૧૪ ઝોન
આ વખતે સંઘો ધજા લઈને અંબાજી આવી શકવાના નથી ત્યારે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નોંધાયેલા ૧૪૦૦ સંઘોને માતાજીના ચાચર ચોકમાં મંત્રોચારથી સિદ્ધ કરેલી ધજા ઘરે બેઠા જ મળી જાય તે પ્રકારનું આયોજન કરાયું છે.
કોરોનાના કારણે મેળો રદ થયો છે, પણ દેવસ્થાન ટ્રસ્ટ વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, પૂનમિયા પદયાત્રી સંઘ સાથે જોડાયેલા વર્ષો જૂના ૧૪૦૦ પદયાત્રી સંઘોના ગામો સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયેલી ધજા પહોંચાડાશે. જે માટે ૧૪ ઝોન બનાવાયા છે. અંબાજીના ચાચર ચોકમાં ૨૧મી ઓગસ્ટે તમામ ૧૪૦૦ ધજાઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરાશે.