અંબાજીઃ યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બાકીનું કામ પણ તબક્કાવાર પૂર્ણ કરાશે તેમ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગી ચૂક્યા છે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આ મંદિરને સુવર્ણમય બનાવાવની કામગીરી ચાલે છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુવર્ણ દાનના આવેલા રૂપિયાથી મંદિર ટ્રસ્ટે ૫ કિલો ૩૫૦ ગ્રામ સોનું અગાઉ ખરીદ્યું હતું.
અંબાજી ટ્રસ્ટ દ્વારા ૧૩ ઓગષ્ટ ૨૦૧૩ના રોજ શિખર સુવર્ણમય બનાવવા માટે એસબીઆઈ બેન્કમાં ૨ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ખાતામાં ઓનલાઈન દાન, રોકડ, ચેક અને ડ્રાફ્ટ સ્વરૂપે ભક્તો દાન આપતા હતા. અત્યાર સુધીમાં ૨૫ કિલો ૮૦૦ ગ્રામ સોનું આ બંને ખાતામાં જમા થયેલી રકમમાંથી ખરીદાયું હતું.
મંદિરમાં સુવર્ણકામ માટે તાજેતરમાં ફરીથી રૂ. ૧,૫૩,૯૫,૩૯૭ની કિંમતનું વધુ ૫ કિલો ૩૫૦ ગ્રામ સોનું ભારત સરકારના ઉપક્રમે એમએમટીસી લિ., અમદાવાદ પાસેથી ખરીદવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ ગ્રામના ૫૦ બિસ્કીટ અને ૫૦ ગ્રામના ૭ બિસ્કીટ પણ હતા.