અંબાજી: કોરોના કાળ અને લોકડાઉન પછીથી અંબાજી મંદિરમાં દાંતા સ્ટેટ સમયથી ચાલી આવતી માતાજીની પાવડી પૂજા મંદિર સત્તાવાળાઓએ બંધ કરવાથી રાજ્યના બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. આ અંગે રાજ્ય બ્રહ્મ સાંસદના મહામંત્રી દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ છે. બ્રહ્મ સમાજના મહામંત્રી ડામરાજી રાજગોરે સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓએ કોરોના બહાને માતાજીને કરવામાં આવતી પાવડી પૂજા બંધ કરી છે જે યોગ્ય નથી. માત્ર બ્રાહ્મણો પાવડી પૂજા કરે તો જ સંક્રમણ થાય છે, આ અન્યાય છે.
કાયદા માત્ર પ્રજા માટે નેતાઓ માટે નહીં? આ ઉપરાંત મંદિરમાં પૂજા, અર્ચના કરાવતા બ્રાહ્મણો સામે સત્તાવાળાઓનું અયોગ્ય વર્તન સહિતની અનેક બાબતોમાં બ્રાહ્મણોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને બ્રહ્મસમાજ ચલાવી લેશે નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રમાં જે માગોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી તેને સત્વરે અમલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની બ્રહ્મસમાજને ફરજ પડશે તેવી રજૂઆત મહામંત્રીએ કરી હોવાનું જણાવ્યું હતું.
મા અંબાનો પ્રાગટ્યોત્સવ રદ
પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની મહામારીને કારણે ધામધૂમથી નહીં ઉજવાય તેવા સમાચાર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વહેતા થયા છે. પ્રાગટ્યોત્સવ આ વર્ષે નહીં યોજાતાં સેંકડો શ્રદ્વાળુઓમાં નિરાશાની લાગણી વ્યાપી છે. જોકે પૂનમે દર્શાનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. પ્રતિ વર્ષે પોષી પૂનમમાં અંબાજી ધામમાં એક માસ પૂર્વે તૈયારીઓ આરંભાતી હતી. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યક્ષ પણ માત્ર ૨૫થી ૩૦ યજમાનોની પૂજા વિધિ થશે.