અંબાજીઃ આ વૈશાખી પૂનમે પણ પરંપરા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા તથા સરહદી રાજસ્થાન પટ્ટીના વનવાસી ગરાસિયા જ્ઞાતિના ભક્તો ભાતીગળ પહેરવેશ સાથે મા અંબાના દર્શને આવ્યા હતા. ગરાસિયા જ્ઞાતિની પરંપરા મુજબ આ દિવસે બાધા-આખડી પૂરી કરવા અંબાજી મંદિરથી દૂર પણ માને રાજી રાખવા જીવતા નર બકરાની બલિ ચઢાવાય છે, પરંતુ આ વખતે બદલાતા સમય સાથે વનવાસીઓના રિવાજમાં પણ પરિવર્તન દેખાયું હતું. ભૂતકાળમાં અસંખ્ય બકરાઓની બલિ ચઢતી તે સ્થાને હવે આંગળીના વેઢે નર બકરાની બલિ ચઢાવાઇ હતી. વનવાસી આગેવાનોના જણાવ્યા મુજબ આ વખતે આશરે દોઢ લાખ આદિવાસીઓ મા અંબાના દર્શને આવ્યા હતા. તેમાંથી ઘણાએ બકરાની બલિની જગ્યાએ માતાજીને મીઠો નૈવેદ્ય ધરાવીને બાધા પૂર્ણ કરી હતી.
રિવાજમાં આમૂલ પરિવર્તન
આદિવાસી ગરાસિયા સમાજ સુધારણા સમિતિના નેતા મગનભાઇ ખાંટે આ અંગે જણાવ્યું હતું કે, આ વખતે પૂનમ પહેલાં બલિના રિવાજમાં પરિવર્તન લાવવા અમે ગામેગામ ભક્તોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રિવાજમાં પરિવર્તનની બેઠકોમાં લોકોને કહ્યું કે, કેટલાય ભક્તો પશુની બલિ ચડાવતાં નથી છતાં માતાજી તેમના ઉપર ખુશ રહે છે. એના દાખલા પણ છે તો શા માટે આપણે કોઈ મૂગા પશુનો બલિના નામે જીવ લેવો? અને અમને ખુશી છે કે અમે સમાજમાં પરિવર્તન આણવામાં થોડેઘણે અંશે સફળ રહ્યા છીએ.