અંબાજીઃ ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયું છે. ૨૫ સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ હતો ત્યારે રેકોર્ડ સર્જાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં આ પ્રસંગે વિશ્વનો સૌથી મોટો ૧૧,૧૧૧ કિલોગ્રામનો પ્રસાદનો લાડુ તૈયાર કરાયો હતો. આ લાડુની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂ. ૧૭ લાખથી વધુ મૂલ્યનો બુંદીનો લાડુ બનાવવા ૨૬૦૦ કિ.ગ્રા. ઘી, ૨૬૫૦ કિ.ગ્રા. બેસન, ૫૫૦૦ કિ.ગ્રા. ખાંડનો ઉપયોગ કરાયો છે. આ લાડુ બનાવવાની શરૂઆત ૨૪ સપ્ટેમ્બરે સવારે ૭-૪૫ કલાકે થઈ હતી અને સાંજે ૪-૩૦ સુધીમાં તૈયાર થઈ ગયો હતો. પછી સાંજે ૫-૪૫ કલાકે આ લાડુ માઈ ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મૂકાયો હતો. આ લાડુ બનાવવા માટે ૩૫ લોકો જોડાયા હતા. રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લાડુના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું.