અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારી શરૂ

Tuesday 08th September 2015 13:59 EDT
 

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મહામેળામાં ગુજરાત સહિતથી દેશવિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, રથ અને ધજાઓ સાથે આવે છે. આ વર્ષે અંબાજી ખાતે ૨૨થી ૨૮ સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. જેમાં ભાવિક ભક્તોની વિવિધ સુખ-સુવિધા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સહિત સરકારના તમામ વિભાગો દ્વારા મહિના પૂર્વથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં અંબાજી તરફના માર્ગો પર લાઈટીંગ, ખોવાયેલ લોકોને મેળવવા કંટ્રોલરૂમ, ઠેર ઠેર સીસીટીવી કેમેરા સહિતની વિવિધ કામગીરીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર તંત્ર દ્વારા પણ વિવિધ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય તે માટે ગૃહ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.

પાલનપુરમાં વૃક્ષમાં આગ!, દર્શન કરવા ભક્તો દોડ્યાઃ કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની શું જરૂર છે? કંઇક આવી જ ઘટના પાલનપુરમાં બની છે. સ્થાનિક આગેવાન ઘેમરભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જના પાછળના આગમાતાનું પ્રાચીન મંદિર છે. જ્યાં તાજપુરના ચૌધરી સમાજની કૂળદેવી આગમાતાના નાના મંદિર પરિસરમાં ૨૦૦ વર્ષ જૂનો લીમડો છે. તાજેતરમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે આ વૃક્ષને કાપવામાં આવ્યું હતું. દરમિયાન, શીતળા સાતમના દિવસે કપાયેલા લીમડાના થડમાં અચાનક આગ લાગી હતી. જેથી સ્વયંભૂ આગમાતાએ દર્શન આપ્યા હોવાની વાત વહેતી થતાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. 

અઢી લાખ રૂદ્રાક્ષનું શિવલિંગઃ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવભક્તોમાં ભગવાનને રીઝવવા માટે ભક્તિમાં લીન થઇ ગયા છે. બંને જિલ્લાના શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન નવા નવા શણગાર સજાવવામાં આવે છે. શામળાજી હિંમતનગર હાઈવે પર આવેલા રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે અઢી લાખથી વધુ રૂદ્રાક્ષનું અનોખું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શ્રાવણ માસના દર સોમવારે અહિ ૧૦૮ દિવાની આરતી યોજાય છે. 

પોલીસ દમનના વિરોધમાં ભાજપના ધારાસભ્યના ધરણાંઃ અમદાવાદમાં તાજેતરમાં પાટીદાર અનામત રેલી પછી ફાટી નીકળેલા તોફાનોમાં પોલીસે કરેલા દમનના વિરોધમાં ઊંઝાના ભાજપના જ ધારાસભ્ય નારણભાઇ લલ્લુભાઇ પટેલ ધરણાં પર બેઠાં છે. વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા પ્રતીક ધરણાંમાં ઊંઝાના ધારાસભ્ય પણ જોડાતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસની ટચલી આંગળીએ પણ ઈજા નથી થઈ તો તેમણે કલમ ૩૦૭ કેવી રીતે લગાવી? ઊંઝામાં પોલીસે નિર્દોષ નાગરિકો પર દમન આચરીને ખોટી રીતે યુવાનોને ફસાવાયા છે.

૨૦૦૦ મહિલાઓ સામે પોલીસ ફરિયાદઃ વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના સંદર્ભે ધરપકડ કરાયેલા નવ આરોપીઓને મુક્ત કરવાના મુદ્દે પાટીદાર મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પછી તેમણે પોલીસ વિરુદ્ધ બેફામ સૂત્રોચ્ચાર કર્યો હતો. આથી સરકારી કામમાં દખલ કરવા બદલ પોલીસે અંદાજે બે હજાર પાટીદાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

બહુચરાજીમાં રૂ. ૨૨ કરોડની સુવિધાઓનું લોકાર્પણઃ પાટીદાર અનામત આંદોલન પછી ૩ સપ્ટેમ્બરે પ્રથમવાર ઉત્તર ગુજરાત યાત્રાધામ બહુચરાજીની ગયેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રૂ. ૨૨ કરોડના ખર્ચે વિકસાવાયેલી યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યુ હતું. આ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં યાત્રાધામોને અને પ્રવાસન સ્થળોને ગ્લોબલ ઓળખ અપાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

ઘાયલ પાટીદારને રબારીએ મદદ કરીઃ પટેલ અનામત આંદોલનમાં હિંસા દરમિયાન મહેસાણામાં સામાન્ય પરિવારના પટેલ યુવાનને પોલીસની ગોળી વાગી હતી. આ યુવાનને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમના જાણીતા રબારી સમાજના અગ્રણીએ સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ ઉપાડીને વર્ગવિગ્રહ જેવી સ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. સરદાર પટેલ ગ્રૂપના અધ્યક્ષ લાલજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં મદદ કરનારા આ અગ્રણી જયંતિભાઇ રબારીનું સન્માન કરાયું હતું. પ્રતીક બાબુભાઇ પટેલને ૨૬મીએ તોફાન દરમિયાન ગોળી વાગતા ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો પરંતુ તે માટે મોટી આર્થિક મદદ પણ જોઇતી હતી. તેની શોધખોળમાં પરિચિત એવા સ્થાનિક જયંતિભાઇ રબારીનો સંપર્ક થયો હતો અને તેમને જાણ કરાતા તેઓ શહેરમાં અશાંત પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં આવ્યા હતા. જયાં તેમણે લાખો રૂપિયાની ખર્ચાળ સારવાર માટે મદદ કરી હતી. જયંતિભાઇએ જણાવ્યું હતું કે, મારે આંદોલન કે કઇ જ્ઞાતિના છે તેની સાથે કોઇ લેવાદેવા નથી પણ માનવતાના ધર્મે મદદ કરવાની જે વાત અમે શીખ્યા છીએ તે જાણીને સહાય કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter