પાલનપુર: સુપ્રસિદ્ધ અંબાજીના આંગણે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહાકુંભમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા મુજબ તમામ તૈયારીઓ થઇ ગઇ છે. મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુ માના પ્રસાદ તરીકે મોહનથાળ લઈને પરત જાય છે. કોરોના પ્રતિબંધ બાદ પહેલી વખત યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે લાખોની સંખ્યામાં માઇભક્તો આવશે તેવા અંદાજને ધ્યાનમાં મંદિર વહીવટી તંત્ર દ્વારા વિશાળ માત્રામાં પ્રસાદ તૈયાર થઇ રહ્યો છે. તમામને 18, 28 અને 52 રૂપિયાની કિંમતના મોહનથાળના અંદાજિત 40 લાખ પેકેટ તૈયાર કરવાનું તંત્રનું આયોજન છે. દરરોજ 35 હજાર કિલો પ્રસાદ તૈયાર થશે. જેમાં દરરોજ 5 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર થશે.