પાલનપુરઃ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થયેલી અતિવૃષ્ટિને કારણે સરકારી મિલકતોને અંદાજે રૂ. બે હજાર કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. જ્યારે અસરગ્રસ્ત બે લાખ હેક્ટર જમીન વિસ્તારોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે. ખાનગી માલ-મિલ્કતોને પણ થયેલા વ્યાપક નુકસાનનો ચોક્કસ આંકડો વિવિધ સરકારી વિભાગો પાસેથી મેળવાઈ રહ્યો છે તેમ, રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહત સહિતની સહાયની કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૭૨ વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે જે પૈકી ૪૧ કેસોમાં રૂ. ૧.૨૪ કરોડની સહાય ચુકવાઈ છે.
•થરાદમાં જૈન શ્રેષ્ઠીઓ દ્વારા પૂરગ્રસ્તોને સહાયઃ થરાદ તાલુકાના પેપરાલમાં ચાતુર્માસ માટે આવેલા રાષ્ટ્રસંતની પ્રેરણાથી જૈન શ્રેષ્ઠીઓ દ્વારા તાલુકામાં પૂરગ્રસ્તોને રાહત અને સહાયની પહોંચાડવામાં આવી રહી છે. સરહદી થરાદ તાલુકામાં અતિવૃષ્ટિથી ૧૨૫ ગામોમાં વિનાશ વેરાયો છે. અનેક મકાનો તૂટી પડ્યા છે તો ખેતરો ધોવાઈ ગયા છે. વરસાદી પાણીથી હજારો લોકો બેઘર બન્યા છે ત્યારે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સહાયની સરવાણી શરૂ થઈ છે અને વરસાદના પાણી ધીમે ધીમે ઓસરતા જનજીવન થાળે પડી રહ્યું છે. જોકે, ૧૫થી ૨૦ ગામો પાણી ખૂબ જ ધીમે ઓસરી રહ્યા છે.
• લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં વિજયનગરની દિવ્યાને રજતપદકઃ અમેરિકાના લોસ એન્જેલસ ખાતેની આયોજિત સ્પેશ્યલ ઓલિમ્પિક રમતોત્સવમાં વિજયનગરની બાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે. માનસિક રીતે વિકલાંગ દિવ્યા ડામોરે શોર્ટપુટ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવતા અન્ય ખેલાડીઓમાં ઉત્સાહ વ્યાપ્યો છે. દિવ્યા ડામોરે પેરા ઓલિમ્પિક્સમાં ૧૦૦ મીટર દોડ, શોર્ટપુટ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે રજતચંદ્રક મેળવી ગરાસિયા આદિવાસી સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે.