પાલનપુરઃ આજના આધુનિક જમાનામાં ગાંધી વિચાર ભૂલાતો જાય છે ત્યારે પાલનપુર પાસેના ગોળા ગામના લોકોએ એક સાચા અર્થમાં ગાંધી વિચારધારને જાળવી રાખી છે. આ ગામના લોકોએ ચરખાને જીવની જેમ સાચવી રાખ્યો છે. ગોળામાં અંદાજે ૪૦ વણકર પરિવારો વર્ષોથી રેંટિયા પર સુતર કાંતીને કાપડ બનાવે છે. રેંટિયા પર કાપડના દોરા તૈયાર કરી હાથવણાટના સાધન દ્વારા તેઓ ખાદીનું કાપડ તૈયાર કરે છે. બનાસકાંઠા જિલ્લામાં પહેલા હજારો પરિવારો હાથવણાટના આ કામ સાથે સંકળાયેલ હતા. પરંતુ રેંટિયા સાથે સંકળાયેલા પરિવારોને સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન ના મળતાં આજે ખૂબ જ ઓછી સંખ્યામાં આવા વ્યવસાયીઓ જોવા મળે છે.
ગાંધીયુગમાં આખું ગોળા ગામ રેંટિયા પર કાપડ બનાવવાનું કામ કરતું હતું પરંતુ જેમ જેમ આધુનિકતાનો જમાનો આવ્યો તેમ તેમ લોકો અન્ય વ્યવસાય તરફ વળતા ગયા. આજે પણ અહીંના લોકો રેંટિયા પર જ પોતાનું જીવન ગુજારવા ઇચ્છે છે પરંતુ આ પરિવારને એક મીટર કાપડના માત્ર નવ રૂપિયા જ ભાવ મળે છે. જેના કારણે એક પરિવાર દિવસના ૧૦૦ રૂપિયા પણ માંડ કમાઈ શકે છે.