અંબાજીઃ ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સેવારત કર્મચારીઓમાં કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે. ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓમાં કામ મૂકવાનો નિર્ણય કરાયો છે. આ કર્મચારીઓમાં પૂજા માટે પ્રતિમાસ રૂ. ૧૦ હજારના પગારથી ૫૧ પૂજારીઓ, ૨૮ સફાઈ કામદાર અને ૩૫ સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે. હવે આ તેમાં અડધોઅડધ કાપ મૂકવાનો ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજભોગ અને ફળફળાદી વગેરેમાં કાપ મૂકાતા ભક્તોમાં પણ નારાજગી ઊભી થઈ છે. ટ્રસ્ટને વર્ષે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે ત્યારે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા મુખ્ય પ્રધાન તેમ જ વડા પ્રધાનને રજૂઆત કરવાનો બ્રહ્મસમાજે નિર્ણય કર્યો છે. માતાજીના મૂળ સ્થાન ગબ્બર પર્વતને ફરતે રૂ. ૬૦ કરોડના ખર્ચે ૫૧ શક્તિપીઠ બનાવવામાં આવી છે. અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા આ પરિક્રમા પથમાં દેશના ૫૧ શક્તિપીઠની પ્રતિકૃતિ સમાન આબેહૂબ મંદિરોને રાજસ્થાનના બંસી પહાણપુરાના લાલ પથ્થરથી નિર્માણ કરાયા છે. આ શક્તિપીઠોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ થઇ હતી.