અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભે અમદાવાદના માતેશ્વરી ગ્રૂપના શ્રદ્ધાળુએ રૂ. 21 લાખનું ચેકથી દાન કર્યું છે. શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં અંબાના ભંડારમાં દાનનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસના પ્રારંભે શુક્રવારે સવારે મૂળ રાજસ્થાનના અને ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયેલા એવા કટારા ઝાડ પરિવાર બારાખનવાળા અને માતેશ્વરી ગ્રૂપના માઇભક્ત ગોપીચંદ ટાંક સહ પરિવાર માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે માતાજી ભંડારમાં રૂ. 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
ચિક્કીનો શ્રાવણી પ્રસાદ
યાત્રાધામ અંબાજી મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિનથી સૂકા પ્રસાદ તરીકે ચિક્કીનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના રાજભોગ સમા મોહનથાળની પ્રસાદ એક આગવી ઓળખ ધરાવે છે ત્યારે આ જ પ્રસાદની સાથે એક ઐતિહાસિક નિર્ણય મુજબ સૂકા પ્રસાદ તરીકે ચિક્કીના વિતરણનો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિનથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં 2500 કિલો ગ્રામ જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. 100 ગ્રામના એક બોક્ષની કિંમત રૂપિયા 25 નક્કી કરવામાં આવી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી ચિક્કીનો પ્રસાદ બે માસ સુધી બગડતો નથી.