ડીસાઃ હાલ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ અને સ્થાનિકો દ્વારા પથ્થરમારાના અહેવાલ છે ત્યારે ડીસાના ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશીકાંત પંડ્યા કહે છે કે, પંદરેક વર્ષ પહેલાં અમે જ્યારે અમરનાથના દર્શને ગયા ત્યારે પણ કાશ્મીરમાં તંગ સ્થિતિ હતી. તે સમયે અમે શ્રીનગરથી ૧૧ કિ.મી. દૂર પામ્પોર ફરવા ગયા. સ્થાનિક રહેવાસી અબ્દુલ સાથે ચર્ચા કરતા હતા ત્યારે જ ધમાલ શરૂ થઈ ગઈ. અબ્દુલ અમને તેમના ઘરે લઈ ગયો. તેની પત્ની સમીમાએ સારું સ્વાગત કર્યું. એટલામાં બીજા ઓરડામાંથી તેની બે દીકરીઓ બબ્બુ અને શબ્બુ આવી. મને જોઈને તે બોલી ઊઠી કે તુમ તો હમારે મામુ જૈસે લગતે હો. મેં કહ્યું કે, તો આજથી હું તમારો મામુ, બસ?... આ વાતને પંદરેક વર્ષ થઈ ગયા. પામ્પોરના સમીમાબહેનની હજુ રક્ષાબંધને રાખડી આવે છે.
શશીકાંતભાઈ કહે છે કે, તેઓ ૧૯૯૪થી અમરનાથની યાત્રાએ જાય છે. એક યાત્રામાં મારે સમીમાના પરિવાર સાથે સંબંધ બંધાયો હતો. સમીમાને તેમણે બહેન બનાવી છે. હવે દર વર્ષે અમરનાથ દાદાના દર્શન સાથે બહેન અને તેના કુટુંબની મુલાકાત માટે પણ કાશ્મીર જવાનું થાય છે. શશીકાંતભાઈ પરિવાર સાથે પણ બહેનના ઘરે જાય છે. સમીમા અને અબ્દુલ પણ શિયાળામાં કાશ્મીરમાં બહુ ઠંડી પડે ત્યારે પરિવાર સાથે ડીસા ભાઈના ઘરે આવતી હોય છે. આટલું જ નહીં, થોડા સમય પહેલાં સમીમાની બંને દીકરીઓ શબ્બુ અને બબ્બુના લગ્ન હતા ત્યારે શશીકાંતભાઈ ડીસાથી મામેરું લઈને પામ્પોર ગયા હતા અને ૨૦ દિવસ સુધી લગ્નમાં રોકાયા હતા.