અમદાવાદઃ અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી ઘરે જવા નીકળેલા પતિ પત્ની ભરતભાઈ અને ધર્મિષ્ઠાબહેન પટેલ કારમાં બેઠાં તે સમયે અજાણ્યા માણસે ફાયરિંગ કરતાં ધર્મિષ્ઠાબહેનનું મૃત્યુ થયું હતું. અમેરિકામાં બનેલા બનાવથી કલોલમાં રહેતા દંપતીના પરિજનોમાં શોક છવાયો હતો.
મહેસાણા જિલ્લામાં ડાંગરવા, વડુ ગામે અને કલોલમાં રહેતાં દંપતીના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ થતાં તેઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં.
મહેસાણા જિલ્લાના ડાંગરવા (ડાભી) ગામના રમેશચંદ્ર ચતુરદાસ પટેલની દીકરી ધર્મિષ્ઠાને વડુ ગામે પરણાવવામાં આવી હતી. લગ્ન બાદ ધર્મિષ્ઠા (ઉ.વ.૩૪) તેના પતિ ભરતભાઈ ઈશ્વરદાસ પટેલ સાથે ૬ વર્ષ અગાઉ અમેરિકામાં સ્થાયી થઈ હતી. જ્યોર્જિયા સિટીમાં આવેલા એક સ્ટોરમાં બંને નોકરી કરતાં હતાં.
બંને ડ્યુટી પૂરી કરીને સ્ટોરમાંથી બહાર નીકળી પોતાની કારમાં બેસી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે જ ત્યાં ધસી આવેલા એક અજાણ્યા માણસે કારને આંતરીને ગનમાંથી આડેધડ ફાયરિંગ કરતાં કારમાં જમણી સાઈડની સીટ પર બેઠેલાં ધર્મિષ્ઠાબહેનને ગોળી વાગતાં તેઓનું મોત નિપજ્યું હતું.