મહેસાણાઃ જિલ્લાના આખજ ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના બે સભ્યો પર હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતાં બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે. કેન્ટકી સ્ટેટના સાઉથ લુઈવિલે શહેરમાં આ ઘટના બની છે.
અહેવાલ અનુસાર, આખજના નટવરભાઇ લક્ષ્મણભાઈ પટેલ (૫૮) અને તેમનો પરિવાર ગ્રીનકાર્ડ ધરાવે છે અને સાત વર્ષથી સાઉથ લુઇવિલેમાં કન્વીનિયન્સ સ્ટોર્સનું સંચાલન કરે છે. નવમી ઓગસ્ટે સવારે આઠ વાગ્યે નટવરભાઇ અને તેમના પુત્રવધૂ મોનિકાબહેન સ્ટોર્સ ખોલવા જતા હતા ત્યારે અજાણ્યા હુમલાખોર ધસી આવ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં નટવરભાઇને ૭ જ્યારે મોનિકાબહેનને ૪ ગોળી વાગતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. નટવરભાઇને મોટા ભાગની ગોળી પગમાં વાગી છે. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે નટવરભાઇ અને મોનિકાબહેન હાલ સારવાર હેઠળ છે અને બન્નેની હાલત સ્થિર છે.