મોડાસા, શામળાજીઃ સેલ્સટેક્ષની ચોરી અટકાવવાના હવે ચેકપોસ્ટો બંધ કરી હાઇવે ઉપર સ્ક્વોડ ગોઠવવામાં આવી છે. જો કે આ સ્કવોડના કેટલાક ભ્રષ્ઠ અધિકારીઓ સેલટેક્ષ ચોરીના નામે લાખો રૂપિયાનો તોડ કરી સરકારને જ ચૂનો લગાવી રહ્યા છે. શામળાજી નેશનલ હાઇવે ઉપર આ જ રીતે સેલ્સટેક્ષના ઇન્સ્પેકટરો લાખો રૂપિયા ઉઘરાવતા હોવાની અરવલ્લી એસીબીને ફરિયાદ મળી હતી. જેના પગલે શુક્રવારે બપોરે ટ્રેપ ગોઠવી હિંમતનગર હાઇવે ઉપરથી ૬.૫૧ લાખ રોકડા સાથે સેલ્સટેક્ષ ઇન્સ્પેકટર મહેન્દ્રકુમાર પ્રજાપતિ, વિશ્વાનંદ જાધવ, હાર્દિક લાંબા અને રોહિતકુમાર ત્રિવેદીને ઝડપી લેવાયા હતા. ચારેય ઇન્સ્પેકટરો પાસે કારમાંથી ૬.૫૧ લાખ રૂપિયા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ નાણાં મામલે ચારેય ઇન્સ્પેકટરો તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા નથી.