પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં દિવાળીની પાંચ દિવસની ઉજવણીની જે પરંપરા છે તે અનોખી અને રસપ્રદ છે. આ રાજ્યનું એકમાત્ર ગામ હશે કે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વદોડ થાય છે. આ રેસ કોઇ સ્પર્ધા માટે નહીં, પરંતુ ધાર્મિક પરંપરા મુજબની છે.
ધનતેરસથી ભાઈબીજ સુધી
ધનતેરસથી લઇને ભાઈબીજી સુધીના પાંચ દિવસના તહેવાર દરમિયાન બુકોલી સહિત આસપાસના લોકો ઘોડા દોડાવવા માટે અહીં આવે છે. આ અંગે માહિતી આપતાં ગામના અગ્રણી ૮૦ વર્ષીય લીલાભાઈ દેસાઇએ જણાવ્યું કે, બુકોલીમાં કોટિયાવીરનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પૂજા અર્ચના સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. અંદાજે ૧૦૦થી વધારે ઘોડેસવાર રેસમાં સામેલ થાય છે.
સ્પર્ધા નહીં પરંપરા
આ રેસ કોઇ સ્પર્ધા માટે નહીં પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઊજવાય છે. આ પાંચ દિવસ દરમિયાન ગામના ચોરે ઢોલ-નગારા વગાડવામાં આવે છે. જેના અવાજથી ઘોડેસવાર અને ગામનાં લોકો એકઠા થવા લાગે છે. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો અને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે પ્રાર્થના અર્ચના કરવા જાય છે. મંદિરે દર્શન કર્યા બાદ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ રેસ માટેના રસ્તા જેને પાટી કહેવાય છે તેના પર બંને બાજુમાં લોકો ગોઠવાઇ જાય છે. ઢોલ-નગારા વાગવાના ચાલુ થાય છે. ઘોડાઓને પ્રસ્થાન કરવાની જગ્યાએથી બે-બે હરોળમાં ઘોડેસવારો એકબીજાના હાથ પકડીને ઘોડા દોડાવવાનું ચાલુ કરે છે. જેમાં કેટલાક ઘોડેસવાર દોડતા ઘોડા પર ઊભા થવાના કરતબ પણ કરતાં હોય છે.