પાલનપુરઃ તાલુકાના નાના સરખા વાઘણા ગામે વર્ષો જૂની અને લોકોની આસ્થા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી દશેરા સધી ગામમાં રથ સહિત નાના મોટા દરેક પ્રકારના વાહનોના પ્રવેશ પર અહીં પાબંધી હોય છે. આ સમયગાળામાં ગામના લોકો પોતાના વાહનો ગામની ભાગોળે જ પાર્ક કરીને ગામમાં આવે છે. વર્ષો અગાઉ ગામમાં ફાટી નીકળેલા રોગચાળાના ઉપાય માટે ગુરુ મહારાજના વચનનું ગામલોકો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે.
પાલનપુરથી દસ કિલોમીટરના અંતરે આવેલા વાઘણા ગામે ગુરુ મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. વાઘણામાં સાડા ત્રણસો વર્ષ અગાઉ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હતો. બાળકોથી લઈને વયોવૃદ્ધોનાં બીમારીના કારણે મૃત્યુ થતાં હતાં. આ સમયે ગામલોકોને રોગચાળાથી છુટકારો આપવવા માટે ગામમાં બાર વર્ષ સુધી તપ સિદ્ધ કરીને મંદિરમાં રહેતા ગુરુ મહારાજ પ્રાણભારતી પાસે ગયા હતા. ગુરુ મહારાજે રોગચાળાના ઉપાય માટે ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી આસો માસના દશેરા સુધી ગામમાં રથ કે પૈડાંવાળા વાહન, બળદગાડાં, ઊંટગાડાનો પ્રવેશ ના કરાવવા વચન આપ્યું હતું. જેને લઇને ગામ લોકોએ વચન મુજબ ચોમાસામાં પોતાના વાહનો ગામ બહાર રાખતા રોગચાળો કાબૂમાં આવ્યો હતો. ગામમાં સાડા ત્રણસો વર્ષ અગાઉ શરૂ થયેલ ચોમાસામાં દશેરા સુધી વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધની આ પ્રણાલી આજે પણ ચાલી રહી છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી મહારાજનો બોલ પાળવા ગામલોકો ગામની ભાગોળે જ પોતાના વાહનો થંભાવી રહ્યા છે.
મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા
વાઘણાના રહેવાસી શામલભાઇ પટેલ અને ચતુરભાઇ ઠાકોરે જણાવ્યું કે, અમારા ગામ ઉપર ગુરુ મહારાજની અમીદૃષ્ટિ રહેલી છે. ગુરુ મહારાજના આશીર્વાદથી ગામમાં કોઇ રોગચાળો ફેલાતો નથી. ગામલોકો ગુરુ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
રોળિયું રોકવા બોલ
વાઘણા ગુરુ મહારાજ મંદિરના પુજારી ઘેમર ભારતીએ જણાવ્યું કે ૩૫૦ વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લઇ લોકો મોતને ભેટતા આ અપમૃત્યુને રોકવા ગુરુ મહારાજ પ્રાણભારતીએ ગામમાં ચોમાસામાં પૈડાંવાળા વાહનના પ્રતિબંધ લાદવા જણાવ્યું હતું. રોગચાળો નાબૂદ થતાં આજે પણ ચોમાસામાં ગામમાં વાહન પ્રવેશ પ્રતિબંધ મુકાય છે.