ગાંધીનગરઃ મેઘરજ રોડ પર આવેલી જીવનજયોત સોસાયટીમાં રહેતા રજનીભાઇ પટેલ અને તેમનો પરિવાર ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવીને તેનો સંગ્રહ કરે છે અને એ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન રોજિંદા કાર્યોમાં કરે છે. આ છેલ્લા પાંચ વર્ષથી આ પરિવાર વર્ષનાં ૧૩ હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે.
વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ
વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ સમજાવતાં રજનીભાઈ કહે છે કે, ચોમાસાની ઋતુમાં ઘરના ૩૨ બાય ૨૨ ફૂટના ધાબા ઉપર પડતું વરસાદી પાણી એક જ સ્થળેથી પતરાના ઢાળ ઉપર ઉતારી દેવાય છે. ચોરસ રેતી અને ચૂનાનું સ્તર બિછાવી કુદરતી રીતે ધાબા ઉપરના ટાંકામાંથી પાઇપ વડે ૬ ફૂટ ઊંચી અને ૯ ફૂટ ઊંડી ભૂગર્ભ ટાંકીમાં એ પાણીનો સંગ્રહ કરાય છે. ચોમાસા દરમિયાન સંગ્રહ કરાતુ઼ં આ ૧૩ હજાર લીટર પાણી ડન્કીની મદદથી જરૂર પૂરતું બહાર કાઢીને રસોડાના કામમાં તેમજ પીવાના ઉપયોગમાં લેવાય છે. આ ટાંકામાં સંગ્રહ કરાયેલું પાણી આખું વર્ષ ચાલે છે.
પાણી શુદ્ધ છે
જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા રજનીભાઇ કહે છે કે, પ્રકૃતિના વરદાનરૂપી હવા, પાણી, અગ્નિ અને સૂર્યપ્રકાશ જેવા કુદરતી સ્ત્રોત વિનામૂલ્યે મળે છે અને તેનો સંગ્રહ પણ તદ્દન આસાનીથી જ થઈ શકે છે. સંગ્રહ થયેલા વરસાદી પાણી માટે રજનીભાઈ અને તેમનો પરિવાર કહે છે કે, અમે વપરાશમાં લઈ રહ્યા છે તે પાણી અન્ય મિનરલ વોટર કરતાં પણ શુદ્ધ છે. સાંધા-વાના દર્દો સામે વરસાદી પાણી રક્ષણ પૂરું પાડે છે.