પાલનપુર: આદિવાસી સમાજમાં વેર લેવાના વિચિત્ર રિવાજોની પરંપરા ડુંગરાળ વિસ્તારમાં આજેય છે. દાંતા તાલુકાના જામરું ગામમાં આવી જ એક ઘટના સામે આવી છે. સપ્ટેમ્બર, ૨૦૧૮માં નટુભાઈના ખેતરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી. મૃતકના પિતાએ હત્યાની આશંકાએ નજીકમાં જ રહેતા રમણભાઇ રાજાભાઈ તરાલ સહિત ૧૦ જણા સામે હત્યાનો ગુનો નોંધવા હડાદ પોલીસમાં રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પરિવારની અનેક રજૂઆતો બાદ મૃતદેહને એફએસએલમાં મોકલાયો. જોકે પરિવારજનોનું માનીએ તો દોઢ વર્ષ થવા છતાં ફોરેસિન્ક લેબનો રિપોર્ટ આપવામાં આવ્યો નહીં. તાજેતરમાં જામરું ગામની આ ઘટના સામે આવી છે. મૃતક નટુભાઈના પિતા હગરાભાઈ જામરું ગામમાં એકલા રહે છે. જ્યારે એમના ઘરની બાજુનું નટુભાઈનું ઘર એકદમ ખંડેર જેવું છે. આજુબાજુ કેટલાક છુટા છવાયા તરાલ કુટુંબોના ઘર આવેલા છે. અહીં ૨૦ મહિનાથી ઘરમાં લાશ રખાઈ છે તેવું જાણવા મળ્યું છે. બિનઉપયોગી શૌચાલયમાં મૃતદેહ રખાયો છે અને તાળું મારીને ચાવી નટુભાઈનાં પિતા રાખે છે. તેના પિતા એકલા જ રહે છે.
બંધ શૌચાલયમાં લાશ
અંદાજિત ૬૫ વર્ષના વૃદ્ધ નટુભાઈના પિતા હગરાભાઈએ જણાવ્યું કે, નટુના મોત બાદ તેમના ચાર સંતાનોમાંથી મોટો દીકરો બાબુ સાચવે છે. મૃત નટુની પત્ની તેના પિયરમાં જતી રહી છે. બાબુ હાલ ઇડર નજીક ખેતરમાં મજૂરી કરે છે. હું એકલો જ છું. ન્યાયની આશા મેં છોડી નથી. નટુની લાશ અહીં તેના જ બંધ ઝૂપડાંની સામે બિનઉપયોગી શૌચાલયમાં રાખી મૂકી છે. કોઈ પૂછે તો તાળું ખોલીને મૃતદેહનું પોટલું ખોલીને બતાવે છે. દુર્ગંધ મારતો કંકાલ અને તેના પિતા જાણે કે ન્યાય માગતા હોય તેવું દૃશ્ય ત્યારે સામે આવે છે.