પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ વિસ્તારમાં મુખ્યત્વે ડુંગરી ભીલ અને ગરાસિયા જાતિના લોકો વસે છે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આ આદિવાસીઓની જીવનશૈલી અને પોશાક તેમને અનેક રીતે બીજાથી જુદા પાડે છે.
અહીં ગરાસિયા મહિલાના પહેરણ પર કંઈકને કંઈક નામ લખાયેલા જોવા મળે છે. એક મહિલાએ તેના પતિનું નામ લખાવ્યું હતું તો બીજી મહિલાએ તેના પહેરણ પર સહેલીનું નામ લખાવ્યું હતું. આ સમુદાયની મહિલાઓમાં પરંપરા છે કે જે વ્યક્તિ સહુથી વ્હાલી હોય તેના નામ ઝૂલકી નામે ઓળખાતા પહેરણમાં લખાવી સ્વજન પ્રત્યે અપાર સ્નેહ દર્શાવે છે.
અગાઉ સિલાઇ મશીનો નહોતા ત્યારે હાથે ગૂંથીને ઝૂલકી પર નામ લખાતું હતું. હવે અંબાજી, વિરામપુર, અમીરગઢ, દાંતાના કેટલાક વેપારીએ ઝૂલકી પર નામ લખવા મશીનો વસાવ્યા છે. એક વેપારી કહે છે કે ૧૪ વરસથી અમારી દુકાન છે, પણ ક્યારેય ઝૂલકીની ડિઝાઇન બદલાઇ નથી. હા... હવે નામની સંખ્યા વધી છે. કુંવારી યુવતીઓ પ્રેમીનું નામ લખાવે છે તો પરીણિતા પતિનું નામ લખાવે છે. કોઈ સંતાનના તો કોઈ
સખીના નામ લખાવે છે. આ શોખ પાછળ કોઈ વાર્તા જોડાયેલી નથી, પરંતુ આ પ્રકારે લાગણી દર્શાવવાનો ટ્રેન્ડ દસકાઓથી ચાલે છે.