પોશીનાઃ ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાંથી યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધર્માંતરણ અને ‘જોહર’ શબ્દનો સખત વિરોધ કરાયો હતો. આદિવાસી સમાજના જે લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરી અલ્પસંખ્યક અને આદિવાસી સમાજને મળતા સરકારી લાભો બંને તરફ લઈ રહ્યા છે. જેથી ધર્મ પરિવર્તન કરનાર આદિવાસી સમાજના લોકોને આ લાભથી વંચિત કરવા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદન આપવાનો નિર્ણય લેવાયો હતો.
લોભ- લાલચથી ધર્માંતરણનો ફેલાવો
આદિવાસી સમાજના આગેવાન સોમજીભાઈ ખૈરાએ જણાવ્યું કે, ગુજરાત અને સરહદી રાજસ્થાન વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા આ વિસ્તારના ગરીબ, અશિક્ષિત આદિવાસી લોકોને લોભ લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. ધર્ણાંતરણ બાદ આદિવાસી સમાજમાં પૂજાતા દેવી-દેવતાઓ, પૂજાની પદ્ધતિ, સાધુ સંતોના ભજન – કીર્તન અને સંપૂર્ણ ધાર્મિક – સામાજિક સંસ્કૃતિ અને રીતરિવાજો નહીં માનવા લોભ લાલચ અપાય છે અને કેટલાકનું બળજબરીપૂર્વક પણ ધર્માંતરણ કરાય છે. જેથી આદિવાસી સમાજમાં બે ભાગ પડી ગયાં છે.