પોશીઃ ગુજરાતના આદિવાસી ગામ ટાઢીમાં છેલ્લા છ મહિનાથી એક યુવકનું શબ લીમડાના ઝાડ પર લટકેલું છે. ચાદરમાં લપેટાયેલું આ શબ ભાતિયાભિયા ગામર નામના યુવકનું છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ તેનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પાસે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા આ ગામમાં બાવીસ વર્ષના ગામર અટક ધરાવતા યુવકનું શબ લીમડાના ઝાડ પર લટકાવીને તેનો પરિવાર સામાન્ય જિંદગી જીવી રહ્યો છે.
આનું કારણ એ છે કે તેના પરિવારજનોનું માનવું છે કે તેના દીકરાનું કુદરતી મોત નથી, પણ તેની હત્યા કરવામાં આવી છે. તેના પરિવારજનોને આ મૃત યુવકની પ્રેમિકાના પરિવાર પર શંકા છે, કેમ કે તેનું મોત થયું એ પહેલાં પ્રેમિકાના પરિવાર તરફથી તેને મારવાની ધમકી આપવામાં આવી હતી. મૃત્યુ સમયે તેના શરીર પર મારઝૂડનાં નિશાન પણ હતાં. આ જ કારણસર જ્યાં સુધી પ્રેમિકાનો પરિવાર હત્યાનો ગુનો કબૂલીને સજા સ્વીકારે નહીં ત્યાં સુધી દીકરાના શબના અંતિમસંસ્કાર નહીં કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે.
પોશીના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર પાસેના આદિવાસી વિસ્તારોમાં ન્યાય માગવાની આ પ્રથાને ચડોતરુ કહેવાય છે. પેઢીઓથી આ પ્રકારે ન્યાય માગવા માટે અનેક શબોને વૃક્ષ પર લટકાવવામાં આવ્યાં છે. જોકે મોટા ભાગે વીસ-ત્રીસ-ચાળીસ દિવસમાં આ વાતનો નિવેડો આવી જાય છે. નજર સામે શબને લટકતું જોઈને ગુનેગાર સામેથી આવીને ગુનો કબૂલીને સજારૂપે પૈસાનો દંડ સ્વીકારવા તૈયાર થઈ જાય છે.
અલબત્ત, આ વખતે ૬ મહિના થઈ ગયા છતાં વાતનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ લોકોને સમજાવવાની પોતાનાથી બનતી તમામ કોશિશ કરે છે, પરંતુ પરંપરાને કારણે લોકોને પોલીસ કે કોર્ટ દ્વારા થયેલા ન્યાયમાં કોઈ રસ નથી હોતો.