અમદાવાદ: ઇડરની પાંચ વર્ષની બાળકીને કિડનીની નળીમાં ૪૫થી વધુ પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરીને તેને દર્દમુક્ત કરી છે. આ સર્જરી કરનાર ડો. અમર શાહે જણાવ્યું કે, ઇડરમાં રહેતા મનીષાબેન અને પ્રજ્ઞેશ નાયકની ૫ વર્ષીય દીકરી શ્રી જન્મથી જ ખાવાપીવામાં નબળી હતી. તેનું વજન વધતુ ન હતું.
ગત ૨૬ માર્ચના રોજ શ્રીને પેટમાં અસહ્ય દુખાવા સાથે પેશાબ બંધ થઇ થતાં તે બેભાન જેવી થઇ હતી. જેથી તેની સોનોગ્રાફી અને બ્લડ-યુરિનની તપાસ કરાવતા જમણી કિડનીની નળીમાં પથરીનું નિદાન થયું હતું. આ પછી બાળકીની હિંમતનગરના સર્જન અને યુરોલોજીસ્ટ ડોક્ટર પાસે તપાસ કરાવતાં કિડનીમાં ૨થી ૪ જ્યારે નળીમાં અનેક પથરીનું નિદાન થતાં તેને ૨૬ માર્ચે સારવાર માટે અમદાવાદ મોકલાઇ હતી. અહીં ડો. શાહે ૪૫થી વધુ પથરી કાઢીને તેને દર્દ મુક્ત કરી છે.
સિનિયર પીડિયાટ્રિક અનિરુદ્ધ શાહના જણાવ્યા પ્રમાણે, કિડનીમાંથી જતી નળીને યુરેટર કહે છે. આ નળીમાં પથરી ભરાતા પહોળી થઇને માણસની આંગણી જેટલી થઇ ગઇ હતી અને પેશાબની નળી પાસે બ્લોકેજ થયું હતું. આથી તબીબે યુરેટરનો બંધ માર્ગ ખુલ્લો કર્યો હતો. નાના બાળકોમાં કુપોષણની સમસ્યાથી પેશાબની કોથળીમાં પથરી થાય છે. જોકે હવે સમયસર નિદાનથી પેશાબનું ઇન્ફેક્શન - પથરી રોકી શકાય છે.