હિંમતનગરઃ ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે રાવળવાસની નજીક આવેલ જમીનમાં મકાન બનાવવા મંગળભાઈ ત્રિકમદાસ રાવળે પાયો ખોદવાનું શરૂ કરતાં બે અઢી ફૂટના ખોદકામ દરમિયાન મૂર્તિઓ નીકળી હતી.
જેની મને જાણ કરી હતી અને થોડું વધુ ખોદકામ કરતાં ૪૦થી વધુ જૈન તીર્થંકરો ભગવાનની મૂર્તિઓ મળી હતી. તંત્રને જાણ થતાં ૨૩મી એપ્રિલે મામલતદાર આવ્યા હતા અને મૂર્તિઓનો કબજો લઇ પંચાયતને સોંપી ખોદકામ બંધ કરાવ્યું હતું. સૈકાઓ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓ મળી આવતા પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંશોધન થાય તેવી માગ પણ ઊભી થઈ છે. ઇસરોમાંથી ૨૦૧૦માં નિવૃત્ત થયેલ પ્રભુભાઇ એસ ઠક્કરે જણાવ્યું કે દાવડ ગામની પૂર્વ ઉત્તર અને દક્ષિણે જમીનની નીચે ઘણી સાઇટ દબાયેલી પડી છે.