ઈડરઃ અંબાજી -ઈડર હાઈવે પર આવેલા રાણી તળાવમાં જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થા (જલમંદિર)ના પ્રમુખ મહારાજ સાહેબ કલ્યાણસાગર અને મહારાજ સાહેબ રાજતિલકસાગર સામે તેમના જ દેરાસરમાં ધાર્મિક વિધિ અને પૂજા અનુષ્ઠાનની સેવા આપી રહેલા અનુયાયીની પત્નીનું મંત્ર, તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવીને શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ ૨૩મી જૂને થઈ હતી.
પરણિતાના યુ ટર્ન પછી વૃદ્ધાની ફરિયાદ
સુરતની પરણિતા અને ઈડર અને વડાલીના બે તબીબોએ કલ્યાણસાગર અને રાજતિલકસાગર ફરિયાદ નોંધાવી હતી. એ પછી સુરતની પરણિતાએ જ યુ ટર્ન લઈ લેતાં પોલીસ લાચાર બની ગઈ હતી. જોકે એ પછી ૭૫ વર્ષનાં એક વૃદ્ધાએ ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આ લંપટોએ તેમની સાથે પણ ૧૦ વર્ષ પહેલાં પથારી પર છેડતીનો પ્રયાસ કર્યો હતો.
૧૨ વર્ષથી પાવાપુરીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપનારા ઈડરના પાર્શ્વ હોસ્પિટલના ડો. આશિત દોશી તેમજ વડાલીના નવકાર હોસ્પિટલના ડો. નિકુંજભાઈ આર. વોરાને કલ્યાણસાગર અને રાજતિલકસાગર વિશે જાણકારી મળતાં બંને તબીબોએ ફરિયાદ કરી હતી કે બંને જૈન સિંદ્ધાતોનું ઉલ્લઘંન કરીને સાધુના બદલે સાંસારિક જીવન જીવતા તેમજ મહિલા અનુયાયીઓને રંજાડી રહ્યાં છે જેથી ધાર્મિક સંસ્થા અને જૈન ધર્મને લાંછન લાગી રહ્યું છે.
પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું કે, એક સમયે મહારાજના અનુયાયી રહેલાં અને હાલ સુરત રહેતાં માણસે ઉપરોક્ત તબીબોને ૩જી જાન્યુઆરી, ૨૦ર૦ના રોજ એવી લેખિત ફરિયાદ આપી હતી કે તેની પત્નીનું બંનેએ શરીર શોષણ કર્યું હતું. બંનેએ તેના વીડિયો બનાવી લીધા હતા જે તબીબોને પણ ધ્યાનમાં આવ્યા હતા. બંને તબીબો અને અન્ય ટ્રસ્ટીઓએ ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં આ મામલે સાધુને કહ્યું હતું કે જૈન ધર્મને લાંછન લાગે તેવું કરો નહીં, પરંતુ આ મામલે સાધુએ બંને તબીબોને તાંત્રિક વિદ્યાથી બરબાદ કરવાની ધમકી આપી હતી. આખરે ઈડર પોલીસ મથકે તબીબે બંને મહારાજો સામે ર૯પ, પ૦૪, પ૦૬(ર) અને ૧૧૪ મુજબ તાજેતરમાં ફરિયાદ નોંધાવી હતી.
તબીબનો એક તબક્કે મ.સા.નો જ બચાવ
એક તરફ ૨૩મીની મધરાતે ડો. આશિત દોશીએ બંને મહારાજો સામે વ્યાભિચારની ફરિયાદ નોંધાવી તો બીજી તરફ તેઓનો એવો પત્ર પણ સામે આવ્યો કે તેમાં તેઓએ ૧૬ ફેબ્રુઆરીએ તેમના સ્વઅક્ષરોમાં કલ્યાણસાગર અને રાજતિલકસાગરને સમુદાય બહાર કરવાના ફરમાન અંગે ટ્રસ્ટી તરીકે તેમના નામનો કરાયેલા ઉલ્લેખને અયોગ્ય જણાવીને સમગ્ર આયોજન પાછળ બદઈરાદાવૃત્તિને જવાબદાર ગણાવી હતી.
ત્રણ ટ્રસ્ટોની કરોડોની મિલકત પર સૌની નજર
ઈડરના રાણીતળાવ પાસે આવેલા પાવાપુરીમાં આવેલા અષ્ટાપદ જલમંદિર નિર્માણ યોજના, શ્રી સર્વકલ્યાણ ટ્રસ્ટ અને શ્રી પાવાપુરી સંમેત શિખર તીર્થ એમ કુલ ત્રણ ટ્રસ્ટ હસ્તકની કરોડો રૂપિયાની જમીનો, ભવ્ય ભોજનાલય, અનેક ધર્મશાળાઓથી સજ્જ વિશાળ તીર્થધામ, રાણી તળાવની વચ્ચોવચ આવેલી વિશાળ જગ્યામાં સુંદર દેરાસર આવેલું છે.
આ સંપૂર્ણ મિલત ઉપર કબજો કરવાની ઈડરના કેટલાક ધાર્મિક અગ્રણીઓની તેમજ કેટલાક રાજકારણીઓ સહિત સૌની નજર છે. કહેવાય છે કે જો મહારાજ સાહેબોને અહીંથી ભગાડી મૂકવામાં આવે તો સહેલાઈથી કરોડોની મિલકત પર કબજો જમાવી શકાય તેવી પણ ચર્ચા જૈન સમાજમાં છે. જોકે સુરતની પરણિતાના યુ ટર્ન પછી એક વૃદ્ધાની ફરિયાદ પરથી બંને સાધુઓની ધરપકડ થઈ હતી.
બંનેની ઈડર પોલીસ દ્વારા ધરપકડ
આ ફરિયાદને પગલે ઈડર પોલીસે તુરંત જ કાર્યવાહી કરીને બંનેની ધરપકડ કરી હતી.ઈડર પોલીસ બંનેની ધરપકડ કરીને બંનેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં તેમની શારીરિક તપાસ કરાઈ હતી. આ સાથે બન્નેનો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
જૈન સમાજમાં રોષ: અગ્રણીઓ પોલીસ મથકે
જૈન સમાજના અગ્રણીઓ સહિત જૈનબંધુઓમાં બંને માટે રોષ ફેલાતાં કેટલાંક જૈન અગ્રણી સહિત પેન્ટ શર્ટ જેવાં કપડાં લઈને પોલીસ સ્ટેશને આવી ગયાં હતાં. તેઓએ પોલીસ અધિકારીઓને વિનંતી કરી હતી કે, આ બંને હવે સાધુજીવનને લાયક નથી. હવે સંસારમાં લોકો જેવાં કપડાં પહેરે છે તેવાં કપડાં આમને પહેરાવી દો, પરંતુ પોલીસે તેમની માગને સ્વીકારી નહોતી. બંને મહારાજના વકીલની દલીલ એવી છે કે જો વૃદ્ધાની ૧૦ વર્ષ પહેલાં છેડતી થઈ હોય તો તેઓ આજ સુધી કેમ ચૂપ રહ્યાં? ફરિયાદી વૃદ્ધા અગાઉના ફરિયાદી તબીબ ડો. આશિત દોશીના સંબંધી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
જોકે આ ગુનો જામીનલાયક હોવાથી કલ્યાણસાગર અને રાજતિલકસાગરને ૨૬મીએ મોડી રાતે જ જામીન મળી ગયાં હતાં. જોકે બીજી તરફ આ વિવાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. અતિવૈભવી જીવન જીવતા આ સાધુઓનાં જામીન બાદ ૨૬મી જૂને પણ જૈન સમાજ અને કેટલીક મહિલાઓએ દેખાવ કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે બંનેને સંસારી બનાવી દો. ૨૯મી જૂને બંનેની પાપલીલાનો ભોગ બનેલી વધુ પાંચ મહિલાએ પોલીસમાં સંપર્ક કર્યો હોવાનું પોલીસ સુપરીટેન્ડેન્ટ દ્વારા જણાવાયું છે.
વધુ પ મહિલાઓએ એસપીને અરજી કરી
બંને સાધુઓનો જામીન પર છુટકારો થયો, પણ તેમની પાપલીલા તેમનો પીછો છોડશે નહીં તેવું જણાવીને વધુ પાંચ મહિલાઓએ બંને સાધુઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શોષિત મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો હોવાનું અને બંને મહારાજોના નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનું સાબરકાંઠા એસ.પી. ચૈતન્ય મંડલિકે જણાવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં બંને મહારાજની સ્થિતિ કફોડી બનતી જાય છે. જામીન મળ્યાનો આનંદ બંને સાધુ મહારાજ માટે ક્ષણિક પુરવાર થવાની સંભાવના સોમવારે પેદા થઇ હતી.
કલ્યાણસાગર અને રાજા મહારાજ એટલે કે રાજતિલકસાગરનાં કુકર્મોનો ભોગ બનેલી પીડિત - શોષિત મહિલાઓ પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ બની હિંમત દેખાડી રહી છે. એસપીએ જણાવ્યું કે આ ચાર પાંચ મહિલાઓ સિવાય અન્ય મહિલાઓ પણ આગળ આવવાની સંભાવના છે. ચારથી પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો છે તેમના વિધિવત્ નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.