• ‘ભાભર એ એશિયાનું મોખરાનું સટ્ટાબજાર’: ક્રિકેટ હોય અથવા તો ચૂંટણી હોય દરેકના સટ્ટાબજારના ભાવ પાડવામાં ભાભર મોખરે છે, છતાં તંત્ર આ સટોડિયા સામે કાર્યવાહી કરી શકતું નથી. ઝેરડા ગામે પહેલી મેએ યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાન હરિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, ચૂંટણી વખતે ભાભરના સટ્ટાબજારમાં મારો પણ ભાવ બોલાયો હતો. જળસંચય યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૩૮૭ તળાવોને ઊંડા કરીને વરસાદી પાણીનો બચાવ કરવા માટે આ યોજનાનો પ્રારંભ કરાયો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને કેન્દ્રિય પ્રધાન હરિભાઈ ચૌધરીએ પોતાના ભાષણમાં એક વિવાદાસ્પદ નિવેદન આપતાં સમગ્ર કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો. કેન્દ્રિય પ્રધાન હરિભાઈએ જણાવ્યું હતું કે ડીપ ઈરિગેશનમાં હું પ્રથમ નંબરે છું. ખેડૂતમાં પણ પ્રથમ અને ભાભરના વાયદાબજારમાં પણ પ્રથમ નંબરે છું. જ્યારે ચૂંટણી હોય ત્યારે ભાભરમાંથી મારો ૧૦ પૈસાનો ભાવ ભાભરના લોકો જ બોલે છે. ભાભરમાં છે એવું સટ્ટાબજાર આખા એશિયામાં નથી.
• અંબાજી મંદિરને ભક્ત દ્વારા રૂ. ૩૧ લાખનાં સોનાનું દાનઃ અંબાજી મંદિરને પહેલી મેએ એક ભક્તે તાજેતરમાં એક કિલો સોનાનું દાન આપ્યું હતું. સુવર્ણ શિખર માટેના બાંધકામમાં સોનાનો ઉપયોગ કરવા માટે ભક્તે રૂ. ૩૧ લાખના સોનાનું દાન કર્યું હતું. ભક્તે પોતાની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.