મહેસાણાઃઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલા પાક નુક્સાન અને જમીન ધોવાણના સર્વેમાં ૫ પૈકી ૪ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તેમજ બનાસકાંઠાના બે ગામમાં સર્વેની કામગીરી બાકી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની કુલ ૪.૧૯ લાખ હેક્ટર જમીનમાં રૂ. ૬૨૪ કરોડનું નુકશાન થયું છે. જોકે, સાબરકાંઠા જિલ્લામાં નુક્સાનીનો રિપોર્ટ ઝીરો આવ્યો છે.
વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં પાક નુક્સાન અને જમીન ધોવાણ માટે જીઓ ટેગીગ, ડ્રોન કેમેરા અને મેન્યુઅલી સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ૫,૪૨,૧૨૨ હેક્ટર જમીનનો સર્વે હાથ ધરાયો હતો. જે પૈકી ૧૫ ઓગસ્ટ સુધીમાં ૪,૧૯,૯૬૫ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થતાં રૂ. ૬૨૪૬૪.૧૬ લાખનું આર્થિક નુક્સાન થયું છે. જોકે, બનાસકાંઠા જિલ્લાના બે ગામમાં હજુ સર્વે કરવાનો બાકી છે.
નર્મદા નહેરોમાં રૂ. ૨૧૯ કરોડનું નુકસાન
બનાસકાંઠા અને પાટણ જિલ્લાની કેનાલો વરસાદી તારાજીમાં તૂટી જતાં રૂ. ૨૧૯ કરોડ જેટલું નુકસાન થયાનો અંદાજ છે. નર્મદા કેનાલમાં પૂરના કારણે થયેલા નુકસાને લઈ તેના બાંધકામને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. ક્ષતિગ્રસ્ત કેનાલને રિપેર કરતાં ૬ મહિનાથી વધુનો સમય લાગશે.
અતિવૃષ્ટિના કારણે નર્મદાના પાણી માટે બનાવેલી મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રીબ્યુટરી કેનાલર માઇનોર કેનાલ અને સબ માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં ગાબડાં પડ્યા છે. જેના કારણે અત્યારે નર્મદા કેનાલનું સંપૂર્ણ માળખું ખોરવાયું છે.