અમદાવાદ, મહેસાણા: એશિયામાં જીરાના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અતિ મહત્ત્વના ગણાતા મસાલા બજાર ઊંઝામાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા એજ સમયે અમદાવાદના જીરાના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. જીરાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો મળીને ૩૯ જગ્યાએ જીએસટીની ટીમે એક સાથે દરોડા પાડ્યા હતા. સોમવારે સવારે ૧૦થી મોડી સાંજ સુધી રાજ્ય કરવેરા (જીએસટી) અધિકારીઓ, કર્મચારીઓની ૩૯ ટીમોએ એકસાથે અમદાવાદની લક્ષ્મી ટ્રેડર્સ તથા જગન્નાથ સેલ્સ કોર્પોરેશન સહિત ઊંઝા, ઉનાવાની ૧૭ વેપારી ફર્મ અને ૧૫ ટ્રાન્સપોર્ટર્સના મળી કુલ ૩૯ સ્થળે કાર્યવાહી કરી સ્ટોક અને બિલિંગ સહિત નાણાકીય વ્યવહારો ચકાસ્યા હતા. આ દરોડામાં કરોડો રૂપિયાના બોગસ ઇ-વે બિલ અને બોગસ બિલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે.
થોડા સમય પહેલાં જ પોલીસે અમદાવાદની લક્ષ્મી ટ્રેડર્સની જીરું ભરેલી ટ્રક પકડી હતી, જેમાં ડોક્યુમેન્ટમાં ગરબડ હોવાનું જીએસટીના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું. જેના આધારે અધિકારીઓ દ્વારા બે મહિનાથી આ દિશામાં તપાસી ચાલી રહી હતી. આ મામલે ઝીણવટભર્યું સંશોધન હાથ ધરવા ઊંઝા, અમદાવાદના વેપારી કેસોમાં તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ૨૪ વેપારી અને ૧૫ ટ્રાન્સપોર્ટર્સનો તપાસમાં સમાવેશ થાય છે.