ઊંઝા: ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેનપદે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે શિવમ રાવલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા. આ સ્ક્રિપ્ટ ભાજપે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ તૈયાર કરી હતી. જેમાં સૌપ્રથમ ભાજપના પાંચ વખતના ધારાસભ્ય નારાયણ કાકાને પરાજય આપી કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા ડો. આશાબહેન પટેલને રાજીનામું અપાવી ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ અપાયો. આશાબેનના ભાજપમાં પ્રવેશ અને પેટાચૂંટણીમાં ભવ્ય વિજયમાં ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલ અને શિવમ રાવલની મુખ્ય ભૂમિકા રહી હતી. આ બન્નેને ઊંઝા યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવવાનું ભાજપે આપેલું વચન પાળ્યું હતું. બન્નેની મુદત પાંચ વર્ષની રહેશે. અપક્ષના ચૂંટાયેલા બે ડિરેક્ટરનું સમર્થન આપ્યું હતું.