મહેસાણા, ઊંઝા: એશિયાના સૌથી મોટા અને વર્ષે રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં ૨૧ વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતા ભાજપના પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણ પટેલ (કાકા)ના શાસનનો અંત આવ્યો છે. તેમનો ભાજપી જૂથે જ સફાયો બોલાવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ખેડૂત વિભાગની આઠે બેઠકો પર દિનેશ પટેલની વિકાસ પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ખેડૂત વિભાગમાંથી ચૂંટણી લડી રહેલા પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ પણ હારી ગયા હતા. વેપારી વિભાગની ચાર બેઠકોમાં દિનેશ પટેલ સમર્થિત બે ઉમેદવારો તેમજ બે અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. માર્કેટ યાર્ડમાં ૧૯૯૭થી ૨૦૧૧ સુધી નારાયણ કાકા અને ત્યાર બાદ ૨૦૧૧થી ૨૦૧૯ સુધી તેના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેનપદે હતા.
બોર્ડ ઓફ ડિરેક્ટરની ખેડૂત વિભાગની આઠ અને વેપારી વિભાગની આઠ અને વેપારી વિભાગની ચાર બેઠકોની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાના પુત્ર અને યાર્ડના પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલ સામે ભાજપનાં જ વર્તમાન ધારાસભ્ય ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની વિકાસ પેનલે ઝુકાવતાં આ ચૂંટણી મહત્ત્વની બની ગઈ હતી.