પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે ચાલી રહેલા અનામત આંદોલનમાં ખુલ્લુ સર્મથન આપતા ઊંઝા નગરપાલિકાના ૨૭ નગરસેવકોએ એક સાથે રાજીનામા આપીને ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ભાજપમાંથી અત્યાર સુધી માત્ર હોદ્દાઓ પરથી જ રાજીનામા આપવામાં આવ્યા છે. પાટીદારોના પાટનગર ઊંઝામાં પ્રથમવાર ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ દ્વારા રાજીનામા અપાયા છે. ઊંઝામાં રાજીમાનાના આ ઘટનાક્રમથી પાટીદાર સમાજના આગેવાન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય નારાણભાઈ એલ.પટેલ ઉપર પણ રાજીનામાનું દબાણ વધ્યું છે.
પાટણના ધારાસભ્યને પાટીદાર ટોપી પહેરાવાયીઃ પાટણ તાલુકાના મણુંદ ગામે ૨૩ ઓગસ્ટે રાત્રે જનસંપર્ક બેઠક માટે ગયેલા ધારાસભ્ય અને સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈને પાટીદાર યુવાનોના રોષનો ભાગ બનવું પડ્યું હતું. જેમાં પાટીદાર યુવાનોએ તેમને ચારેબાજુથી ઘેરી લઈને પાટીદારની ટોપી પહેરાવીને તેમને રાજીનામું આપવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત અનામત નહીં આપો તો મત નહીં અને કોઈ નેતાગીરી કરવા ન આવશો તેવો આક્રોશ ઠાલવતાં થોડીવાર ઉત્તેજનાપૂર્ણ માહોલ સર્જાયો હતો. જોકે થોડીવારમાં મામલો શાંત થયો હતો.