ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં ઊંઝા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીના અપવાદને બાદ કરતા મોટા ભાગે અહીંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. આ વખતે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઇચ્છા વ્યક્ત કરી છે. આ વાત જાહેર થતાં જ સ્થાનિક ભાજપમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અત્યાર સુધી વિસનગર બેઠક ઉપરથી ચૂંટાતા આવ્યા છે. જોકે આ વખતે એમણે બેઠક બદલવાની માંગણી કરી છે. એક અહેવાલ અનુસાર તેઓ ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડવા પ્રયત્નશીલ છે. આ વાત આવતાં જ પક્ષના 255 જેટલા સ્થાનિક આગેવાનોએ આયાતી ઉમેદવાર ઊંઝામાં થોપવા સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને આ સંદર્ભે એમણે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર પણ લખ્યો છે. આ સમગ્ર વિવાદ છેક દિલ્હી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
પક્ષના 255 જેટલા આગેવાનોની સહી સાથે પ્રદેશ પ્રમુખને મોકલાયેલા પત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ઊંઝા મુકામે વિધાનસભા વિસ્તારના ઊંઝા અને વડનગર તાલુકાના ચારેય મંડલના ભાજપના વર્તમાન અને પૂર્વ પ્રમુખ તથા સિનિયર કાર્યકરોની એક ચિંતન બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે એવું નક્કી થયું હતું કે, ઊંઝાની બેઠક ઉપર સ્થાનિક અને માત્ર સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. ઉમેદવાર એવા પસંદ કરવામાં આવે જે લાંબા સમયથી લોકોના કામો કરતા હોય અને નિષ્ઠાવાન હોય. પત્રમાં એમ પણ જણાવ્યુ હતું કે, અમારા સૌની માગણી અને લાગણી છે કે આ બાબતને બહુ ગંભીર ગણી ઉમેદવાર પસંદ કરવામાં આવે. હવે જોવું રહ્યું કે ભાજપ હાઇકમાન્ડ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની લાગણીને ધ્યાને રાખીને ક્યા ઉમેદવારને પસંદ કરે છે.