ઊંઝાઃ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે, રૂ. ૩૮૬.૫૧ કરોડના બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંજય મફત પટેલ ઉર્ફે શંકરની આબુ રોડની સિલ્વર ઓક કન્ટ્રીયાર્ડ હોટલમાંથી તાજેતરમાં ધરપકડ કરી હતી. સંજય મફત પટેલ ઉર્ફે શંકર ઊંઝા APMCના ડિરેક્ટર છે. ઊંઝાના બોગસ બિલિંગ કૌભાંડમાં અત્યાર સુધીમાં પાંચ જણાની ધરપકડ કરાઈ છે.
APMCના વર્તમાન ડિરેક્ટર અને કૌભાંડમાં પકડાયેલા સંજય મફત પટેલ ઉર્ફે શંકર રાજકારણીઓ સાંઠગાંઠ ધરાવતો હોવાનું ચર્ચાય છે. અંદાજે રૂ. ૩૬૫.૧૦ કરોડના ટર્નઓવર માટે રૂ. ૨૧ કરોડ, ૪૧ લાખની કરવેરા સહિત કુલ રૂ. ૩૮૬.૫૧ કરોડના કૌભાંડમાં ૩૨ પેઢીઓ સંડોવાયેલી હોવાનું જાણવા મળે છે.
તપાસને અંતે આર્થિક કૌભાંડનો આંક વધવાની અને વધુ લોકોની ધરપકડની શક્યતા છે. આ કૌભાંડમાં પકડાયેલા સંજય પટેલ ઉર્ફે શંકરને SGSTની કસ્ટડીમાં રખાયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડની માગ કરાઈ છે.
કોરોડોનું કૌભાંડ
ઊંઝાના જીરા કોમોડિટીમાં કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ આચરીને કરવેરો નહીં ચૂકવીને કરોડોનું નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધારોમાં સંજય મફત પટેલ ઉર્ફે શંકર અને સંજય પટેલ ઉર્ફે સંજય માધાપાંચ જણાની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડીઓએ ખેતમજૂરો, સફાઈ કામદારો, ડ્રાઈવરો, ન્યૂઝ પેપરના ડિલિવરી મેન વગેરેને નાણાંકીય લાલચો આપીને તેના પાન, આધાર કાર્ડ સહિતના પુરાવાનો દુરુપયોગ કરીને કુલ ૩૨ પેઢીઓના નામે રજિસ્ટ્રેશન મેળવ્યા હતા. જે પૈકી સંજય માધાની ૩ પેઢીએ રૂ. ૧૧૧ કરોડ, સુપ્રીમ જિતેન્દ્ર પટેલની ૧૬ પેઢીએ રૂ. ૧૪૪.૩૫ કરોડ અને સંજય મફત પટેલ ઉર્ફે શંકરની ૧૩ પેઢીએ રૂ. ૧૧૦ કરોડ સહિત કુલ રૂ. ૩૬૫ કરોડનું કૌભાંડ આચરીને રૂ. ૨૧.૪૧ કરોડની કરચોરી કરી હતી. ફક્ત ઈ- વે બિલ જનરેટ કરીને તેના પર માલ સપ્લાય કરીને ભરવાપાત્ર કરવેરો નહીં ભરીને કરચોરી કરાઈ છે.