અમદાવાદઃ ઊંઝામાં ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ૧૮મી ડિસેમ્બરથી આયોજિત પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળમાં થયેલા અશ્વમેધ યજ્ઞ બાદનો સૌથી મોટો મહાયજ્ઞ મનાય છે. અગાઉ વર્ષ ૧૯૭૬માં યોજાયોલા ૧૮મા શતાબ્દી મહોત્સવ, વર્ષ ૨૦૦૯માં આયોજિત રજત જયંતી મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. આ યજ્ઞમાં ૮૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા ઉમિયાને ધામ પધારશે.
તમામ ભક્તોને પધારવા આમંત્રણ
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રમુખ મણિભાઈ પટેલ (મમ્મી)એ ઉમિયા માતાજીના તમામ ભક્તોને આ મહાયજ્ઞમાં પધારવા આમંત્રિત કર્યાં છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આમંત્રણ છે કે, અગાઉ પણ સંસ્થાન દ્વારા ૧૯૭૬માં યોજેલા ભવ્ય પ્રસંગ બાદ પાટીદાર સમાજમાં ચેતના આવી અને અમારી સંસ્થાએ પણ સમાજ કલ્યાણની યોજનાઓ જેવી કે વિધવા સહાય, બાળકોને શિક્ષણ જેવી સેવાકીય યોજનાઓ પણ શરૂ કરી. એ પછી વર્ષ ૨૦૦૯ના પર્વ બાદ હવે ત્રીજી વખત ૨૦૧૯માં લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કર્યું છે ત્યારે તમામ સમાજની સુખાકારી માટે તેમજ નવી પેઢીને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ હોવાથી સૌ કોઈને પધારવા ભાવભીનું આમંત્રણ આપીએ છીએ.
૫૦ હજાર એનઆરઆઈ
એનઆરઆઈ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે સૌથી વધુ અમેરિકાથી ૧૦ હજાર જેટલા પાટીદારો હાજર રહેશે. ઉપરાંત કેનેડાથી ૭ હજાર, લંડનથી પાંચ હજાર, ન્યૂ ઝીલેન્ડથી ૫૦૦, પોલેન્ડથી ૧૦૦૦, દુબઈથી ૫૦૦, ઈજિપ્તથી ૨૦૦, કેન્યાથી ૫૦ સહિત કુલ ૫૦ હજાર જેટલા એનઆરઆઈ પાટીદારો આવશે. જેઓ હોટેલમાં નહીં પરંતુ અતિથિ દેવો ભવની ભાવના સાથે પાટીદારોના ઘરે રોકાશે.
ઉપરાંત હિન્દી ભાષામાં છપાવેલી એક લાખ જેટલી કંકોત્રી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મોકલી છે અને ત્યાં વસતા પાટીદારોને આમંત્રણ પાઠવાયું હતું. આ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પાટીદારો આ મહોત્સવમાં હાજર રહેશે.
ઊંઝા ખુલ્લું સ્વાગતકક્ષ
મહાયજ્ઞમાં વિશ્વભરના ૩૫ જેટલા દેશોમાં રહેતા પાટીદારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પૈકી ૫૦ હજાર જેટલા એનઆરઆઈ મહોત્સવમાં ભાગ લેશે. મહેમાનોને ઉતારો આપવા ઉંઝાના રહીશોએ સામે ચાલીને પોતાના ઘરે મહેમાનોને રોકાવવા માોકલવા માટે સામેથી આમંત્રણ આપતાં સમગ્ર ઊંઝા જાણે ખુલ્લું સ્વાગતકક્ષ બની ગયું છે અને ઊંઝાના ફરતે ૫૦ કિમીના વિસ્તારની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મહેમાનોને ઉતારા આપવા પોતાના દ્વાર ખુલ્લા કરી આપ્યા છે.
પાટીદારોનાં ઘરોમાં ઉતારો
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં વિદેશથી આવનારા યજમાનોને હોટેલમાં નહીં પણ પાટીદારોનાં ઘરમાં ઉતારો અપાશે. આ માટે ૨૫૦૦ જેટલાં ઘરની વ્યવસ્થા કરાઈ છે. લક્ષચંડી મહાયજ્ઞના હજારો યજમાનોને ઉતારો આપવા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યજમાનનો પાટલો નક્કી થશે તેને મહાયજ્ઞના ૨ દિવસ પહેલાં ઊંઝા ખાતે તૈયાર કરાયેલા ‘અતિથિ દેવો ભવ’ ભવનમાં પહોંચવાનું રહેશે. સાત મહિલાઓની સાત ટીમો ઊંઝાના દરેક ઘરમાં ફરીને ઘરના માલિકને અતિથિ દેવો ભવ:નું સૂત્ર સમજાવશે. ઘરમાંજ યજ્ઞના યજમાનોને ઉતારો અપાશે. મકાન માલિક યજમાનની આરતી ઉતારી ઘરમાં પ્રવેશ કરાવશે.
૬૩ વીઘા જમીનમાં રસોડું
આ અંગે ઊંઝા સંસ્થા દ્વારા રસોડા કમિટિના ચેરમેનના અને કન્વીનર અમદાવાદ શહેરના ભુવનના સતિષ પટેલે જણાવ્યું કે, ભોજનશાળા આશરે ૬૩ વીઘા જમીનમાં બની છે તેમજ ૩૦ મિનિટમાં ૫૦ હજાર વ્યક્તિ જમી શકશે. ભોજનાલયમાં રોજ ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લેશે. જેમાં મુખ્ય લાડુની પ્રસાદી માટે ૨૦ લાખથી વધુ લાડુની તૈયારી રખાઈ છે.
આ કાર્યક્રમમાં સેવાના કાર્યમાં લગભગ રસોડા કમિટિના આશરે ૫ હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. દર્શનાર્થીઓ માટે ચા-પાણીની પણ વિશેષ વ્યવસ્થા છે. એક લાખ લીટર દૂધની ચા બનશે અને ૫૦ જેટલા સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે. જોકે સંસ્થા દ્વારા આવા સ્ટોલ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. આ યજ્ઞમાં ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓને કાજુ-દ્રાક્ષ અને સાકર-રેવડી, લાડુની પ્રસાદી પણ અપાશે. આ પ્રસાદીનું પેકિંગ બનાવીને અપાશે જે પેકિંગ તૈયાર પણ થઈ ગયા છે.
‘માનું તેડું’ નામથી મેંદીનો રેકોર્ડ
મહોત્સવમાં મહિલા મંડળની ૨ હજાર મહિલાઓ દ્વારા ‘માનું તેડું’ નામથી મેંદી મૂકીને ગિનિસ બુકમાં નામ નોંધાવશે. ૧૫ ડિસેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત કરાશે. આ કાર્યક્રમમાં મેંદી મૂકનારી ૨ હજાર મહિલાઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તમામ મહિલાઓ જય ઉમિયા માતાજી અને ‘માનું તેડું’ના નામની મેંદી મૂકવામાં આવશે. આ વર્લ્ડ રેકોર્ડ માટે મોટી સંખ્યામાં મેંદી મગાવવામાં આવી છે. આ રીતે મહાયજ્ઞ મહોત્સવમાં મહિલાઓ વિશેષ ભૂમિકા ભજવશે. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રારંભથી લઇ પૂર્ણાહુતિ સુધી ૪ ક્ષેત્રનાં પાટીદાર તેમજ સર્વજ્ઞાતીય મળીને ૩૧ હજારથી વધુ બહેનો વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, અન્નપૂર્ણા, મેડિકલ, સ્વયંસેવકો ખડેપગે રહેશે. યજ્ઞ દરમિયાન આશરે ૭૦૦૦૦થી વધુ મહિલા અને પુરુષ સ્વયંસેવકો ખડેપગે હશે.
યજ્ઞની વિશેષતા
• ૨૦ લાખ લાડુનો પ્રસાદ • ૪૦૦૦ ડબ્બા તેલ • ૫૦૦૦ ડબા ઘી • ૧૨૫ ટન ચોખા • ૫૦ હજાર કિલો તુવેર દાળ • ૧૨૫ ટન બટાકા • ૫૦ હજાર કિલો વાલ • ૧ લાખ લીટર છાશનો ઓર્ડર અપાયો છે કઢી બનાવવા માટે • ૭૦ હજારથી વધુ પુરુષ અને મહિલા સ્વયંસેવિકો ખડેપગે રહેશે