વિશ્વભરમાં ફેલાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઊમિયા માતાજીનું ભવ્ય મંદિરનું અમેરિકામાં શિકાગો ખાતે નિર્માણ થઈ રહ્યું છે. અમેરિકાથી કડવા પાટીદાર સમાજના ૧૬ પ્રતિનિધિઓ માતાજીનો જ્યોતિરથ લેવા ઊંઝા શહેર આવ્યા છે. માતાજીનો જ્યોતિરથને ઊંઝા શહેરના રાજમાર્ગ પર ફરી બેન્ડબાજાની સુરાવલીઓ સાથે ભવ્ય વિદાય અપાઈ છે. આ રથ હવાઈ માર્ગે અમેરિકા પહોંચશે. શિકાગો મિડવેસ્ટ ખાતે પંદર હજાર જેટલા કડવા પાટીદાર પરિવારો સ્થાયી થયા છે. જેમણે કડવા પાટીદાર સમાજ શિકાગો નામના સંગઠનની પણ રચના કરી છે.
કલોલને સ્લમ ફ્રી સિટી બનાવવાનું આયોજનઃ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ માટે કલોલના પોલીસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર ૨૪૦૦ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યની કોઈ નગરપાલિકામાં ન હોય તેવી સૌથી મોટી સ્લમ વિસ્તારનાં લોકો માટેની આવાસ યોજના રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે.
ડીસાના વિવિધ માર્ગનું રૂ. ૧૫ કરોડના ખર્ચે સમારકામઃ ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરલાઈનનું કામ પૂર્ણ થયું હોય તેવા ૧૨ જેટલા મુખ્ય રસ્તાનું અંદાજે રૂ. ૧૫ કરોડના ખર્ચે નવીનીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. વેપારીમથક ડીસામાં પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલે છે. જેથી શહેરમાં વર્ષો સુધી ગંદા પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ આ કામ દરમિયાન, રસ્તા ખોદવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે.