એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ કરોડોના રૂપિયાના એનએસઇએલ કૌભાંડમાં એન. કે. પ્રોટીન્સની કડી ખાતેની રૂ. ૨૭૮ કરોડની ઓઇલ ફેકટરી ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ૧૦ માર્ચે ફેકટરી ટાંચમાં લેવા અંગેના આદેશ જારી કરાયો હતો. રૂ. ૫,૬૦૦ કરોડના કૌભાંડમાં સૌથી મોટી ડીફોલ્ટર આ કંપનીની અત્યાર સુધીમાં સૌથી મોટી રકમની મિલકત ટાંચમાં લેવાઈ છે. એન. કે. પ્રોટીન્સને માથે રૂ. ૯૦૦ કરોડ ચૂકવવાની જવાબદારી છે. કંપનીની અન્ય મિલકતો પણ ટાંચમાં લેવાય તેવી શક્યતા છે. ઇડીએ ગત ડીસેમ્બરમાં કંપનીની રૂ. ૧૪.૨૨ કરોડની કોમર્શિયલ મિલકતો પણ ટાંચમાં લીધી હતી. ઇડીએ લુધિયાણામાં એન. કે. પ્રોટીન્સની રૂ. ૪૧ કરોડની રાઇસ મિલ પણ ટાંચમાં લેવામાં આવી હતી.
સાબરકાંઠામાં મનરેગામાં રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડઃ સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજનામાં રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભામાં આક્ષેપ થયો હતો. રાજ્ય સરકારે આ ગેરરીતિઓ થઈ હોવાનું સ્વીકારને તેમાં બે પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે નાણાંકીય ઉચાપત, છેતરપિંડી, કાવતરૂ સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. પંચાયત રાજ્ય પ્રધાન જયંતિભાઇ કવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સમગ્ર ગેરરીતિને ગંભીર ગણીને તેમાં બે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર ગેરરીતિઓ બાબતે સરકારને જુદી-જુદી નવ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોની પોલીસ તપાસ ચાલી રહી છે.