મહેસાણા: ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન વિભાગના રાષ્ટ્રીય એન્ટાર્કટિકા અને સમુદ્રી અનુસંધાન કેન્દ્ર ગોવામાં ટેકનિકલ સાયન્ટિફીક વિંગમાં ફરજ બજાવતા મહેસાણાના મોહનભાઈ જોધાભાઈ દેસાઈને એન્ટાર્કટિકા જવાનો મોકો મળ્યો હતો. બદરીનાથમાં માઉન્ટેનિયરિંગ તાલીમ પછી દિલ્હી એઇમ્સમાં મેડિકલ ટેસ્ટ બાદ સાઉથ આફ્રિકામાં કેપટાઉન પહોંચી ચાર દિવસના રોકાણ પછી ત્યાંથી ૩૦૦૦ કિમી દૂર ૨૪ સભ્યોની સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા ૬ કલાકની સફર બાદ મોહન દેસાઈ એન્ટાર્કટિકા પહોંચ્યા હતા. આ ફ્લાઈટ બરફ ઉપર બનાવેલા રન-વે પર ઉતરી હતી. છ મહિનાની રાત અને ૬ મહિનાના દિવસ દરમિયાન એક વર્ષ મોહન દેસાઈએ સંશોધન કાર્ય કર્યું અને પોલરમેનનું સર્ટિફિકેટ હાંસલ કર્યું છે.
ખનીજ તેલ અંગે સંશોધન
એન્ટાર્કટિકામાં ભારતીય અભિયાન દળની ટીમમાં હવામાન, શિપિંગ, મેડિકલ, ઇસરો, ફોજ વગેરે વિંગના ૨૪ સદસ્યોની ટીમે બરફમાં ડ્રિલિંગ કરી ખનીજનો જથ્થો ક્યાં છે, બરફના થરની ઊંડાઈ કેટલી છે અને બરફ કેટલો જૂનો છે તેના સેમ્પલ તાપમાન જાળવીને ગોવાની લેબમાં લાવી સંશોધનકાર્ય થઈ રહ્યું છે. ટેકનિકલ વિંગના મોહન દેસાઈએ શિપિંગ કન્ટેનરના લોડિંગ, અનલોડિંગ માટેની જવાબદારી નિભાવી હતી.
બે વર્ષનો ખોરાક
મોહન દેસાઈએ એન્ટાર્કટિકાની રોચક મુલાકાત વિશે કહ્યું કે, ત્યાં ભારતના મૈત્રી સ્ટેશનમાં બે વર્ષનો ખોરાક સ્ટોર રખાય છે. માઇનસ ૫૦ ડિગ્રીમાં માનવ વસતી નથી. બરફ તૂટવાનો સતત ભય રહે છે. કેપટાઉનથી દક્ષિણ ધ્રૂવમાં ઇંધણ આવે તેનાથી ૬ જનરેટર એક્ટિવ રાખી સતત ટેમ્પરેચર મેન્ટેઇન રખાય છે.