મોડાસાઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઓબીસી સમાજ પોલીસની વહારે આવ્યો છે. ગુજરાત ક્ષત્રિય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં એક પણ પોલીસને સસ્પેન્ડ કરાશે તો ઓબીસી, એસટી અને એસસીના ચાર કરોડ લોકો રોડ ઉપર ઉતરી આવશે. આખા રાજ્યમાં બે મહિનાથી અરાજકતા ફેલાવતા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ સામે કડક પગલા ભરવામાં આવે. રાજ્યમાં તોફાનો દરમિયાન કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેના માટે સરકાર જવાબદારી નક્કી કરે.
મોડાસા તાલુકાના દીલપુર ગામે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું મરી જઈશ પરંતુ કોંગ્રેસ કે ભાજપાની થેલી ક્યારે નહીં ઊંચકું. ઠાકોર સમાજને પણ અપીલ કરી હતી કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી બંધારણીય હકોનો ઉપયોગ કરો.
સાબરકાંઠાના ભાજપના સાંસદ દીપસિંહ રાઠોડ પાસે પાટીદારો દ્વારા અનામત આંદોલનને તેમનો ટેકો હોવાનું લેટરહેડ પર લખાવી લેવામાં આવ્યું છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, દીપસિંહ ઠાકોર ઓબીસી સમાજને સમર્થન આપે અને ૨૪ કલાકમાં માફી માગે.
સંમેલનમાં જણાવાયું હતું કે જે ધારાસભ્યો અને સાંસદોએ પાટીદાર આદોલનને સમર્થન આપ્યું છે તેમના માટે ૧ તારીખથી લોક અદાલતોનું આયોજન થશે. જેમા પાટીદાર આંદોલનને સમર્થન આપનાર નેતાઓનો ન્યાય કરાશે.