અમદાવાદઃ POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક પછીથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSFનો કાફલો ખડકી દેવાયો છે આ ઉપરાંત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા એલર્ટને પગલે જખૌના દરિયામાં મરીન પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને માછીમારોને બોર્ડર લાઇનથી ૧૫ નોટિકલ માઇલ અંદર ફિશિંગ કરવા સૂચના અપાઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરેલા સર્જિકલ ઓપરેશનના પગલે પાકિસ્તાની સેના કચ્છ બોર્ડર પરથી ગમે ત્યારે ઘૂસણખોરી કરી શકે છે. આથી તનાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો અને વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાની સરહદ નજીક આવેલાં કેટલાય ગામોને હાઈએલર્ટ પર મૂકી દેવાયા છે. સરહદી ગામોને કોઈપણ અજાણી વ્યક્તિ કે કોઈ શંકાસ્પદ ગાડી અથવા આવી કોઈ હિલચાલ નજરે આવે તો તુરંત જ સલામતી દળોને જાણ કરવાનું કહેવાયું છે.
BSF ઉપરાંત SOG સ્થાનિક પોલીસ તંત્ર, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ક્વિક રિસ્પોન્સ ટીમ વગેરે વચ્ચે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારોમાં બોર્ડર વિંગની એક પ્લાટુનને તૈનાત કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લાનાં સૂઈ ગામ અને વાવ તાલુકાની બોર્ડરને અડીને જ પાકિસ્તાની સરહદ છે. આ વિસ્તાર સાવ નિર્જન હોઈ પાક. બોર્ડરમાંથી ત્રાસવાદીઓ ઘૂષણખોરી કરી શકે છે. આવી સ્થિતિ વચ્ચે ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર સહિતનાં સંવેદનશીલ અને મહત્ત્વનાં સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. લશ્કરના જવાનો રણ પ્રદેશમાં આધુનિક હથિયારો સાથે ઠેર ઠેર ફરીને ચાંપતી નજર રાખી રહ્યા છે.