મહેસાણાઃ અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાનાં અંતિમ સંસ્કાર તો કર્યાં પણ પછીથી તંત્રની બેદરકારીને લઈને દીકરો પિતાનાં અસ્થિ લઈને અમદાવાદના દૂધેશ્વર સ્મશાનગૃહમાં ૯ કલાક સુધી બેસી રહ્યો હતો. કડીના દેઉસણા ગામના અશ્વિન ભટ્ટે (ઉં ૩૩) પોતાને વતન મોકલવા રીતસર કાકલૂદી કરી હતી, પરંતુ અમદાવાદના વહીવટી તંત્રને તેની કોઈ જ અસર થઈ ન હતી. છેવટે મહેસાણાના અધિકારીની મદદથી યુવાન વતન આવી શક્યો હતો.
અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, પિતાને કિડનીની બીમારી હતી. તેથી તેમની અમદાવાદમાં સારવાર ચાલતી હતી. આ દરમિયાન પિતાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોવિડ હોસ્પિટલમાં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા ન હતી. મારા પિતાનું હૃદય ચાલુ છે કે બંધ તેવા સવાલ સામે ડોક્ટર તરફથી પણ કોઈ જ જવાબ મળ્યો નહોતો.
સાતમી મેએ મૃતદેહ લેવાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ખબર પડી કે મારા પિતાનું મૃત્યુ થયું છે. મારા પિતાના અગ્નિ સંસ્કાર માટે પણ કોઈ મદદ ન મળી. એ પછી વતન જવા માટે ૧૦૮, ૧૦૪નો સંપર્ક કરીને મદદ માટે રીતસર ભીખ માગી, પરંતુ તમામે હાથ ઉંચા કરી દીધાં. ૯ કલાક સુધી સ્મશાનમાં પિતાનાં અસ્થિ હાથમાં લઈને બેસી રહેવું પડ્યું. અંતે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, હેલ્થ ઓફિસર કોકિલાબહેન અને ડો. ભાવેશભાઈએ મદદ કરી અને તાત્કાલિક વ્યવસ્થા કરતાં ઘરે પહોંચી શક્યો હતો.