હિંમતનગર: વાવડી નજીકના ચાંપલાના ગામમાં ૧૦મી મેએ એક અનોખા લગ્ન હતાં. આ લગ્નમાં વરરાજા ઘોડે ચડ્યો. વરઘોડો પણ બેંડવાજા સાથે નીકળ્યો. જમણવાર પણ હતી. માત્ર વરરાજાને વરનારી કન્યા જ નહોતી, પણ કન્યા વગરના આ અનોખા લગ્નમાં સગા સંબંધી અને આખું ગામ હોંશે હોંશે નાચ્યું હતું અને મોજમજા પણ કરી હતી.
વાત જાણે એમ છે કે જેના લગ્ન લેવાયા હતા એ વરરાજા અજય બારોટ બાળપણથી માનસિક રીતે વિકલાંગ છે. દુનિયાદારીથી પર મંદ બુદ્ધિ ધરાવતો અજય ગમે તેનાં લગ્ન હોય કે નવરાત્રી જેવા તહેવારો હોય મન મૂકીને નાચે. યુવાન અજય બીજાના લગ્નનાં વરઘોડા જોઇને જોઈને હમેશાં પરિવારજનોને પૂછતો કે મારા લગ્ન ક્યારે થશે? આ સવાલ સાંભળીને અજયના પિતા વિષ્ણુભાઈ અને પાલક માતા શર્મિષ્ઠાબહેન તેને ગમે તે બહાને સમજાવતાં રહેતાં. જોકે અજયના મામાએ જ્યારે અજયનો સવાલ સાંભળ્યો ત્યારે નક્કી કર્યું કે અજયના લગ્ન ધામધૂમથી કરીએ. એમાં માત્ર કન્યા જ નહીં હોય બાકી લગ્નની દરેક વિધિથી અજયને ખુશ કરી દેવો.
એ પછી અજયના લગ્ન લેવાયાં. કંકોત્રી છપાઈ તેમાં અજયની સ્વર્ગસ્થ માતા સહિત દરેક પરિવારજનોનાં નામ અને લગ્નની વિધિઓ લખાઈ. અજયની ઈચ્છા પ્રમાણે ધામધૂમથી તેનો વરઘોડો ગામમાં નીકળ્યો અને સૌ મન મૂકીને ઝૂમ્યાં.