અમદાવાદઃ કલોલના પંચવટી વિસ્તારમાં ગાર્ડનસિટી સોસાયટીમાં ૨૨મી ડિસેમ્બરે વહેલી સવારે ૭.૩૮ કલાકે બંધ મકાન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું અને તેની બાજુમાં આવેલું મકાન પણ ધરાશાયી થયું હતું. બાજુના મકાનમાં રહેતા અમીતભાઈ જનકભાઈ દવે (ઉ. વ. ૨૭) તૂટી પડેલા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જ્યારે તેમના પત્ની પીનલબહેન દવે (ઉ. વ. ૨૫) તથા તેમના દાદી હંસાબહેન દવે (ઉ. વ. ૭૫) શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમજ અન્ય પાડોશીઓ હસમુખભાઈ અંબાલાલ પટેલ વગેરેને પણ ઈજા થઈ હતી. ગાર્ડનસિટીમાં જે મકાનમાં પ્રથમ ધડાકો થયો હતો તે મકાન છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. મકાનના માલિક ભારતીબહેન પ્રજાપતિ અમેરિકા રહે છે તેમ આજુબાજુના લોકોએ જણાવ્યું છે.
મૃતક અમીત દવે અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને તેના માતા-પિતા અને ભાઈ કેનેડામાં રહે છે. આ ધડાકાનો અવાજ પાંચેક કિમી દૂર લોકોને સંભળાયો હતો જયારે ગ્રીનસિટીની સોસાયટીના મોટાભાગના મકાનોની બારીઓ ધકાડાને લીધી તૂટી ગઈ હતી.
મહેસાણા-અમદાવાદથી ઓએનજીસીના અને સાબરમતી ગેસના અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓના વાહનોની હવા કાઢી નાંખી હતી. સવારે બનેલી ઘટનાનું કારણ મોડી રાત સુધી જાણી શકાયું નહોતું. આ ઘટનામાં લોકો દટાયા હોવા છતાં રાજકારણીઓએ નિવેદન આપવા જાહેરમાં પડાપડી કરી હતી.